1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. VGGS:2024: વિવિધ દેશોના વડાઓ, રાજદૂતો અને ડેલિગેટ્સએ PM નરેન્દ્ર મોદીની મુક્તકંઠે કરી સરાહના
VGGS:2024: વિવિધ દેશોના વડાઓ, રાજદૂતો અને ડેલિગેટ્સએ PM નરેન્દ્ર મોદીની મુક્તકંઠે કરી સરાહના

VGGS:2024: વિવિધ દેશોના વડાઓ, રાજદૂતો અને ડેલિગેટ્સએ PM નરેન્દ્ર મોદીની મુક્તકંઠે કરી સરાહના

0
Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં 130થી વધારે દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ, રાજદૂતો, ડેલિગેટ્સ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પોતાના ઉદબોધનમાં આ સમિટમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ચેક રિપબ્લિકના વડાપ્રધાન  પેટ્ર ફિઆલા, તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ  જોસ રામોસ-હોર્તા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ  ફિલીપ ન્યૂસી,  વિયેતનામના નાયબ વડાપ્રધાન  ત્રાન લ્યૂ ક્યાંગ, જાપાન આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપમંત્રી  શીન હોસાકા, યુનાઇટેડ કિંગડમના રાજ્યમંત્રી  લૉર્ડ તારિક અહેમદ, નેપાળના નાણા મંત્રી  પ્રકાશ શરણ મહત, એસ્ટોનિયાના ઇકોનોમિક અફેર્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી  ટીટ રિસાલો, આર્મેનિયાના નાણા મંત્રી  વહન કેરોબિયન, મોરક્કોના ઉદ્યોગ અને વ્યાપાર મંત્રી  રીયાદ મેઝ્ઝોરે વગેરે ઉદઘાટન સમારંભમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે સરાહના કરી હતી.

ચેક રિપબ્લિકના વડાપ્રધાન  પેટ્ર ફિઆલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સમિટનો વિષય ગેટવે ટુ ધ ફ્યુચર છે, તે એક મોટી પ્રેરણા છે. આપણે એક મહત્ત્વપૂર્ણ પડાવ પર છીએ અને આપણું ભવિષ્ય પસંદ કરી શકીએ છીએ. જોખમ લઈને આગળ વધવાનો સમય છે પણ સાથે સાથે મોટી તકો પણ છે. ભવિષ્યના પ્રવેશદ્વારને અનલૉક કરવા માટેની ત્રણ ચાવીઓ છેઃ પહેલી, નવીનતા (ઇનોવેશન), અને નવી ટેકનોલોજી. બીજી ચાવી અદ્યતન ઉદ્યોગ છે અને ત્રીજી ચાવી એપ્લાઇડ રિસર્ચ છે.

તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ અને નોબેલ પારિતોષિક વિજેતા જોસ રામોસ-હોર્તાએ ભારતની વર્ષ 2003ની યાત્રાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વિદેશ બાબતોના મંત્રી યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવાના ભારતના યોગ્ય અધિકારને પૂરા દિલથી સમર્થન આપ્યું હતું. હું ભારત અને ઇન્ડોનેશિયા માટે, બે એશિયાઈ દેશો માટે, સુધારેલ, વિસ્તૃત, વધુ પ્રતિનિધિ યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્યો બનવાની હિમાયત કરવાનું ચાલુ રાખું છું. વૈશ્વિક સ્તરે અમને હંમેશાં ભારતનો સહકાર મળતો રહ્યો છે. તિમોર લેસ્ટેમાં શાંતિ રક્ષક દળોમાં ભારતનો મોટો હિસ્સો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.

જાપાન આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપમંત્રી  શીન હોસાકાએ જણાવ્યું હતું કે ભારત અને જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનર છે. જાપાન અને ભારત વચ્ચેના સંબંધોનો લાંબો ઇતિહાસ છે. અમે ભારત અને ગુજરાતમાં રોકાણ કરતાં આવ્યા છીએ તથા ટેક્નોલોજી વગેરેમાં સહયોગ કરીએ છીએ અને કરતાં રહીશું. કુદરતી આફતો વખતે ભારત તરફથી મળતી ઉષ્માસભર કાળજી અને મદદ માટે અમે વડાપ્રધાન અને ભારતના આભારી છીએ. ભારતે જી-20ની કરેલી અધ્યક્ષતાની તેમણે પ્રશંસા કરી હતી. સેમીકન્ડક્ટર બાબતે બે દેશો વચ્ચે થયેલા કો-ઓપરેશનનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. જાપાન ભારતનો શ્રેષ્ઠ મિત્ર છે અને કાયમ રહેવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

યુનાઇટેડ કિંગડમના રાજ્યમંત્રી  લૉર્ડ તારિક અહેમદે હિંદીમાં વક્તવ્યની શરૂઆત કરીને સુખદ આશ્ચર્ય સર્જતાં જણાવ્યું હતું કે મારા મૂળિયા ભારતમાં રહેલાં છે. તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખરા અર્થમાં માસ્ટર ક્લાસ છે. આ સમિટમાં ભારત-સ્ટોરીની અનુભૂતિ થાય છે. ભારત અને યુકે વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. બન્ને દેશો વચ્ચે પરફેક્ટ કૉમ્બિનેશન છે. ક્રિકેટથી લઈને કલ્ચર સુધી અનેક ક્ષેત્રે બે દેશો વચ્ચે ગાઢ સંબંધો છે. યુકે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટિું રોકાણકાર છે. યુકેમાં 900થી વધારે ભારતીય બિઝનેસ કાર્યરત છે. યુકે અને ભારત વચ્ચેનો વેપાર 3.8 બિલિયન ડોલરનો છે અને ગયા વર્ષે તેમાં 24%નો વધારો થયો છે.

નેપાળના નાણા મંત્રી  પ્રકાશ શરણ મહતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરદર્શીપૂર્ણ નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ભારત નવી આર્થિક મહાસત્તા બની ગયું છે. જી-20નું પ્રમુખ પદ સ્વીકારીને ભારતે કરેલી કામગીરીથી તેનું સ્તર ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે અને સર્વસમાવેશકતા અને વ્યાપ વધ્યા છે. નેપાળ અને ભારતના સામાન્ય ધર્મસ્થાનોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે નેપાળમાં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધારે ગુજરાતના હોય છે. તેમણે જણાવ્યું હતું કે નેપાળ અને ભારતે 10 વર્ષમાં ભારતમાં 10000 મેગાવોટ વીજળીની નિકાસ કરવાના લાંબા ગાળાના પાવર પરચેઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

એસ્ટોનિયાના ઇકોનોમિક અફેર્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી  ટીટ રિસાલોએ જણાવ્યું હતું કે ભારત એક ધાર્મિક દેશ છે, એ જ રીતે અમે પણ ધર્મપરાયણ દેશ છીએ અને અમારી સંસ્કૃતિ તાઆ ભાષાની જાળવણી માટે પ્રતિબદ્ધ છીએ. એસ્ટોનિયા છેલ્લાં ૩૦ વર્ષથી એક રાષ્ટ્ર તરીકે હવે સ્વતંત્ર છે. આજે અમે નાગરિકો માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં વૈશ્વિક અગ્રણી છીએ. અમને ગુજરાત સાથે સહયોગ કરવામાં રસ ધરાવીએ છીએ, કારણ કે ગુજરાત મિન્સ ગ્રોથ… ગુજરાત વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ઈ-ગવર્નન્સ, ગ્રીન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી, એજ્યુકેશન સહિત અન્ય ક્ષેત્રો માટે એસ્ટોનિયા ગુજરાત સરકાર સાથે ભાગીદારીમાં કામ કરવા માટે અમે તૈયાર છીએ.

આર્મેનિયાના નાણા મંત્રી  વહન કેરોબિયને પોતાના ટૂંકા સંબોધનમાં જણાવ્યું હતું કે ઉદ્યોગના વિકાસ માટે એક ખાસ માહોલની જરૂર પડે છે. પોલીસી થકી જ બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્નમેન્ટ સર્જાતું હોય છે. ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો અમારે ઘણા સારા રહ્યા છે. સદીઓથી યુરોપ અને ભારતના વ્યાપારિક સંબંધો રહ્યા છે. આ સમિટ ખરા અર્થમાં ગેટવે ટુ ધ ફ્યુચરની અનુભૂતિ કરાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code