ગુજરાતમાં પોલીસ સામે 14449 પર ફોન કરીને ફરિયાદ કરી શકાશે, સરકારે HCમાં કરી એફિડેવિટ
અમદાવાદઃ શહેરમાં પોલીસે દંપતી સાથે કરેલા તોડકાંડમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોઁધ લઈને દાખલ કરેલા સુઓમોટોની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં પોલીસ સામે હેલ્પલાઈન 14449 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાશે, 24 કલાક હેલ્પલાઈન ચાલુ રહેશે, આ સેવા 15 દિવસમાં ચાલુ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આ કેસની વિગતો એવી છે. કે, શહેરના ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલાં દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ચાલી રહી છે. એ મુદ્દે શુક્રવારે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના ગત આદેશ મુજબ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ રજુ કરી હતી. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો હતો. આ નંબર આગામી 15 દિવસમાં ચાલુ કરાશે. ત્યાર બાદ જનજાગૃતિ માટે એની જુદાં જુદાં માધ્યમો થકી જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આ નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન 24X7 કાર્યરત રહેશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યૂરોની હેલ્પલાઇન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઇન 1091 પણ પ્રચલિત છે. એવી જ રીતે પોલીસ સામે ફરિયાદ નોંધાવવા આ હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત થશે.
કોર્ટ મિત્ર દ્વારા આ ઉપરાંત કેટલાક મહત્ત્વના ઈમર્જન્સી નેશનલ હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરવા માગ કરવામાં આવી હતી, જે મુદ્દે રાજ્યએ હકારાત્મક પ્રતિક્રિયા દર્શાવી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
કોર્ટ મિત્ર શાલીન મહેતાએ એવી રજુઆત કરી હતી કે, આ જાહેરાતોમાં ‘પોલીસ મદદ/ ફરિયાદ’ એવી રીતે હેલ્પલાઇન દર્શાવી છે, જે અસ્પષ્ટતા દર્શાવે છે, ખરેખરમાં ‘પોલીસ સામે ફરિયાદ’ એમ લખવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સરકારે દર્શાવ્યું એ પ્રમાણે લોકો સમજે કે આ હેલ્પલાઇન તો પોલીસની મદદ મેળવવા માટે છે, પોલીસ સામે ફરિયાદ માટે નહિ. કોર્ટે સરકારને કહ્યું હતું કે પોલીસ સામે ફરિયાદ માટે ડેડિકેટેડ હેલ્પલાઇન 1064 જ રાખો. સરકારે કહ્યું હતું કે તે કોર્ટના સૂચન મુજબ કરશે. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે પોલીસ સામે ફરિયાદ માટે બધે 100, 112ના જ નંબર પ્રદર્શિત કર્યા છે, 1064 નહિ, તમે ડરો છો. પોલીસ સામે ફરિયાદ માટે અલગ સેલ પણ બનાવવો જોઈએ. દરમિયાન સરકાર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે, પોલીસ સામેની ફરિયાદ માટે અલગ કંટ્રોલરૂમ હશે, જ્યાં શિફ્ટ ઇન્ચાર્જ પણ હશે, ફરિયાદ DCPમાં જશે, 24 કલાકમાં પગલાં લેવાશે. 100 નંબર પર એક્સટેન્શન નહિ અપાતાં નવો નંબર જાહેર કરાશે. દર મહિને આવેલી ફરિયાદોનો રિવ્યુ પણ કરાશે.