ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22મી જાન્યુઆરીથી ગીતા,વેદ એસ્ટ્રોલોજી સહિત 8 કોર્ષ ભણાવાશે
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આગામી તા,22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનથી ભારતીય જ્ઞાન પરંપરા વિષયોના ટૂંકાગાળાના અભ્યાસક્રમો શરૂ કરશે. જેમાં ગીતા, વેદ, જ્યોતિષશાસ્ત્ર, સહિત વિવિધ 8 જેટલા કોર્ષ શરૂ કરાશે. AICTE તરફથી ભાષા કેન્દ્ર તરીકે માન્યતા મળી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નાં સંદર્ભે 2021માં અસ્તિત્વમાં આવેલા ધરોહર કેન્દ્ર દ્વારા જુદા-જુદા વિષયના શોર્ટ ટર્મ કોર્સની ચાર બેચ પૂર્ણ કરી છે. જેમાં 1500થી પણ વધુ વિદ્યાર્થીઓ ભારતભરમાંથી ભાગ લઈ ચૂક્યા છે. સ્કૂલ ઓફ આઇ.કે. એસ.અંતર્ગત માસ્ટર ઓફ આર્ટસની બીજી બેચ ચાલુ છે. જેમાં ભારતભરના 35 વિદ્યાર્થીઓએ આ અનુસ્નાતક ડિગ્રી કોર્સનો લાભ લીધો છે AICTE તરફથી ભાષા કેન્દ્ર તરીકે માન્યતા મળેલ છે.જેના સંદર્ભે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કેન્દ્ર દ્વારા વિવિધ ભારતીય જ્ઞાન પરંપરાના નવા 8 કોર્સનો અભ્યાસ આગામી 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરી રહ્યું છે. જેમાં ગીતા- રીલેવન્સ ઈન પ્રેઝન્ટ ટાઈમ, ઇન્ટ્રોડકશન ટુ વેદાઝ, ઇન્ટ્રોડકશન ટુ ઉપનિષદ, રીલેવન્સ ઓફ કૌટિલ્ય અર્થશાસ્ત્ર, સાયન્સ ઇન એન્સીઅન્ટ ઈન્ડિયા, સર્ટીફીકેટ કોર્સ ઓન એસ્ટ્રોલોજી, સર્ટીફીકેટ કોર્સ ઓન વાસ્તુશાસ્ત્ર અને સર્ટીફીકેટ કોર્સ ઓન પામીસ્ટ્રી એન્ડ ન્યૂમેરોલોજી ઇત્યાદિનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય શિક્ષા પ્રણાલીમાં ભારતીય જ્ઞાન પરંપરાના વિષયો પર વિશેષ ભાર મૂકાયો હોવાથી વધુ ને વધુ જ્ઞાનપિપાસુ લોકોમાં આવા અભ્યાસક્રમની માંગ વધી રહી છે. આ અભ્યાસમાં જોડાવા ઈચ્છતા કોઈપણ વયજૂથના રસજ્ઞ વિદ્યાર્થીઓ એડમિશન માટે 30 જાન્યુઆરી સુધી સંસ્થાની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.