1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાલારામજી, પ્રધાનસેવકનું ઝાડુ અને બાબાસાહેબનો અનન્ય સત્યાગ્રહ
કાલારામજી, પ્રધાનસેવકનું ઝાડુ અને બાબાસાહેબનો અનન્ય સત્યાગ્રહ

કાલારામજી, પ્રધાનસેવકનું ઝાડુ અને બાબાસાહેબનો અનન્ય સત્યાગ્રહ

0
Social Share

પ્રો (ડૉ) શિરીષ કાશીકર

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાસિકની મુલાકાતે જઈ આવ્યા અને ત્યાંના સુપ્રસિદ્ધ કાલારામ મંદિરમાં દર્શન કરી ,હાથમાં ઝાડુ લઈને મંદિરોના પરિસરોને સાફ રાખવાના સંકલ્પને કાર્યાન્વિત પણ કર્યો. એમણે અહી ઝાડુ ચલાવીને મંદિરના પ્રાંગણમાં સફાઈ તો કરી પણ સાથે સાથે એક મહત્વની,ઐતિહાસિક “ માનસિક સફાઈ”ની ઘટનાની યાદ પણ તાજી કરાવી દીધી.આજથી ૯૪ વર્ષ પહેલાં ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરે આ જ સુપ્રસિદ્ધ મંદિરના દ્વાર અસ્પૃશ્યો માટે ખૂલે ,તેઓ ભગવાનના દર્શન કરી શકે તે માટે અહી અનન્ય સત્યાગ્રહ કર્યો હતો.આ સત્યાગ્રહે તત્કાલીન દલિત સમાજમાં એક અસીમ શ્રધ્ધા અને ચેતના પ્રગટાવવાનું કાર્ય કરેલું.સતત પાચ વર્ષના અથક પ્રયાસો પછી કાયદો ઘડાવીને કાલારામ મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખોલાવવામાં તેઓ સફળ થયા હતા.આ ઐતિહાસીક ઘટના સમગ્ર દેશમાં ચિંતનશીલ ,જાગૃત નાગરિકો માટે ત્યારે પણ બોધરૂપ હતી અને આજે આટલા વર્ષો પછી પણ છે.

https://x.com/journogujarati/status/1746036804363714731?t=4WLRErLIJawUeJaptSSViw&s=08

આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઈએ તો નાસિકના પંચવટીમાં તે આવેલું છે.અહી પ્રભુ શ્રી રામ,લક્ષ્મણ અને સીતામૈયાની કાળા રંગની મૂર્તિઓ સ્થાપિત છે. રામાયણની કથા મુજબ પંચવટી એ વિસ્તાર છે જ્યાં વનવાસ દરમિયાન પાંચ વૃક્ષોની છાયામાં કુટીર બનાવીને ત્રણેએ નિવાસ કર્યો હતો અને અહીંથી જ રાવણ સીતામૈયાનું હરણ કરી ગયો હતો. આ મંદિર ૧૭૯૨માં સરદાર રંગરાવ કોઢેકરે બનાવ્યું હતું. એક વાયકા પ્રમાણે સરદાર રંગરાવને ગોદાવરીના પટમાં પ્રભુ શ્રીરામની કાળા રંગની મૂર્તિ હોવાનું સ્વપ્ન આવ્યું અને એવી મૂર્તિ મળી પણ ખરી જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિરમાં રોજ હજારો રામભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે સામાન્ય રીતે પ્રભુ શ્રીરામની મૂર્તિ કાળા રંગની હોતી નથી એટલે તેનું અહીં વિશેષ મહત્વ છે.

પરંતુ આ ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર માત્ર ભગવાન શ્રીરામની કાળા રંગની મૂર્તિ અને તેના આધ્યાત્મિક અનુભવ માટે જ પ્રસિદ્ધ નથી.ડો. બાબાસાહેબ આંબેડકરે તથાકથિત સવર્ણોના ‘મનની કાળાશને’ દૂર કરવા અને તેમની અસ્પૃશ્યો પ્રત્યેની માનસિકતાની ‘સાફ-સફાઈ’ કરવા એક જબરજસ્ત આંદોલનઅહીં શરૂ કરેલું. એ અગાઉ તેઓ દલિત ચેતના જગાવવા, મહાડના ચવદાર તળાવમાંથી અસ્પૃશ્યોને પાણી મળે તે માટે આંદોલન કરી ચૂક્યા હતા.દલિતોને કાલારામ મંદિરમાં દર્શનાર્થે પ્રવેશ મળે તે માટે તેમણે અહીં પણ ૨ માર્ચ ૧૯૩૦ના રોજ સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

દર વર્ષે રામનવમીએ અહીં ૧૫ દિવસનો મેળો યોજાતો હતો જેમાં રથયાત્રા નીકળતી અને પ્રભુ શ્રીરામ રથમાં બેસીને ગોદાવરી નદીમાં સ્નાન કરવા જતા હતા. આ રથને માત્ર સવર્ણ હિન્દુઓ જ ખેંચતા હતા, અસ્પૃશ્યોને મનાઈ હતી.લાંબા સમયથી આ દર્શન લાભ માટે પ્રયાસો કરી રહેલા અસ્પૃશ્યોએ મહાડ સત્યાગ્રહ કરી ચૂકેલા બાબાસાહેબને વિનંતી કરી કે તેઓ આ મુદ્દે તેમનું નેતૃત્વ કરે. જે દિવસે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી બરાબર તે જ દિવસે ડો.આંબેડકરે પણ સામાજિક સ્વતંત્રતાની આ અનન્ય લડાઈ શરૂ કરી.

બાબાસાહેબે ૨ માર્ચે નાસિક પહોંચીને વિશાળ સભાને સંબોધી અને અસ્પૃશ્યોને કાલારામ મંદિર તરફ જવા આહવાન કર્યું. બપોર પછી એક મોટી રેલીના સ્વરૂપે દલિત ભાઈબહેનો ઉત્સાહભેર કાલારામ મંદિર તરફ દર્શન માટે જવા નીકળ્યા. અંદાજે ૧૫,૦૦૦ લોકો તેમાં જોડાયા. રેલી મંદિરે તો પહોંચી પણ મંદિરના દરવાજા ખોલવામાં જ ન આવ્યા. બીજા દિવસે ૩ માર્ચે ફરી સત્યાગ્રહ શરૂ થયો. અંગ્રેજોએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી. દલિત ભાઈબહેનો મંદિરની બહાર ભજન ગાતા બેસી રહ્યા,પણ દરવાજા તેમના માટે ના ખુલ્યાં.આ સત્યાગ્રહ આમ સતત એક મહિનો ચાલ્યો. રામનવમીના દિવસે રથયાત્રા નીકળવાની હતી.સત્યાગ્રહ સમિતિએ આગ્રહ કર્યો કે રથ ખેંચનારાઓમાં એક દલિત વ્યક્તિ હોવો જોઈએ. આ મુદ્દે મંદિર સંચાલકો સાથે સંમતિ પણ સધાઈ, પણ વાસ્તવમાં એવું થયું નહીં.રામનવમીએ મંદિરના દ્વાર ખુલ્યા અને સવર્ણોની સાથે અસ્પૃશ્યોએ પણ અંદર જવાનો પ્રયાસ કર્યો તો તેમને પકડી લેવામાં આવ્યા.પોલીસે માત્ર બાળકો અને મહિલાઓને પહેલા અંદર જવાની અનુમતિ આપી પણ કેટલીક અસ્પૃશ્ય મહિલાઓએ અંદર જવાનો પ્રયાસ કર્યો તો તેમને અપમાન સહેવા પડ્યા.

આ રથયાત્રા જોવા લગભગ ૧ લાખ લોકો આવ્યા હતા.જ્યારે સમજૂતીનો ભંગ કરીને દલિત યુવાનો પર હુમલા કરવામાં આવ્યા ત્યારે સંઘર્ષ શરૂ થઈ ગયો.સ્થળ પર પહોંચેલા બાબાસાહેબ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા. આમ છતાં તેમણે અસ્પૃશ્યોને અહિંસાત્મક સત્યાગ્રહ કરવા આદેશ આપ્યો.રથયાત્રા અને  મંદિરમાં દર્શન ન કરી શકેલા અસ્પૃશ્યો ગોદાવરીના કાંઠે પહોંચ્યા તો ત્યાં પણ પોલીસે તેમના પર ડંડા વરસાવ્યા. બાબાસાહેબ અને તેમના સાથીઓએ ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા.આ ઘટના પછી એક વર્ષ સુધી કાલારામ મંદિર પ્રશાસને બંધ રાખ્યું. દલિતો પ્રભુ શ્રીરામના દર્શન ન કરી શક્યા.

આ સત્યાગ્રહની અસ્પૃશ્યોએ ભારે કિંમત ચૂકવી.તેમના બાળકોને શાળામાં પ્રવેશ મળવાનો બંધ થઈ ગયો, રસ્તા બંધ કરી દેવાયા, ગામોમાં રોજિંદા કામની ચીજ વસ્તુઓ તેમને મળતી બંધ થઈ ગઈ. આ દરમિયાન ડો. આંબેડકરે રાજ્યસત્તા અને સમાજ બંને આગળ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. આ સંઘર્ષ સતત પાંચ વર્ષ ચાલ્યો. અંતે સરકારે મંદિર પ્રવેશનો કાયદો બનાવીને ૧૯૩૫માં કાલારામ મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખોલી દીધા.આમ, કાલારામ મંદિર એ પ્રભુ શ્રીરામના ભક્તો માટે ઊંચનીચના ભેદભાવ વગર ખુલ્લું  થયું. પ્રભુ શ્રીરામ જેમણે વનવાસ દરમિયાન માતા શબરીના એઠા બોર ખાધા અને અનેક વનવાસીઓ,વંચિતોના જીવનને ઊજળા કર્યા તેમના દર્શન માટે સમાજે પોતાના જ બંધુઓ માટે ઊભી કરેલી અડચણોને દૂર કરવા એક મહામાનવ, ડો. આંબેડકરે આવવું પડ્યું, સમાજની ચેતનાને આંદોલિત કરવી પડી.અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે અને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે જે મંદિરના શિલાન્યાસ પ્રસંગે પહેલી શિલા દલિત  રામભક્ત કામેશ્વર ચૌપાલે મૂકી છે તેવું આ ભવ્ય રામમંદિર સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાની સાથે સામાજિક સમરસતા અને સામાજિક ચેતનાનું એક મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય.

( સ્રોત: “બાબાસાહેબ લાઇફ એન્ડ મિશન”, ડો. એમ. એલ. પરિહાર અને અન્ય પુસ્તકો.)

( નોંધ: મૂળ પોસ્ટમાં લેખકની મંજૂરી વગર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો ગેરકાનૂની છે.)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code