ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જી. બી. શાહ કોલેજમાં “મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયુ
ઉત્તરાયણના તહેવાર દરમિયાન આકાશમાં ઉડતા પતંગોની સિન્થેટીક દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના રક્ષણ માટે વિધ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ અને અમદાવાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વાસણામાં “મારે પણ ઉડવું છે” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. પતંગની ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવારના ફોટા, બેનર તેમજ વિડીયોના માધ્યમ થકી ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે સમજ આપીને તે ના વાપરવા માટે છેલ્લા ૨૩ વર્ષથી જીવદયા માટે કાર્યરત સંસ્થા કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી ઝંખનાબેન શાહ દ્વારા વિધ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઉત્તરાયણના બે દિવસ દરમિયાન કોઈ ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો સંસ્થાના હેલ્પ લાઇન નંબર ૯૯૨૪૪૧૦૭૮૯ પર જાણ કરવા અપીલ કરાઇ હતી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે વહેલી સવારે અને સમી સાંજે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ કારણ કે તે સમય આકાશમાં પક્ષીઓની અવર-જવારનો હોય છે.
છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસ દરમિયાન સવારે સાત થી સાંજના સાત વાગ્યા સુધી કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જી. બી. શાહ કોમર્સ કોલેજ,વાસણાના કેમ્પસમાં યોજાતા પક્ષી બચાવો સેવા યજ્ઞમાં જોડાવા માટે પ્રિ. ડૉ. વસંતભાઇ જોષી દ્વારા વિધ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના અંતે માનવ જીવન અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થનારી ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા માટે વિધ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.