અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાણના પર્વને રવિવારે ચાઈનિઝ દોરીએ ત્રણનો ભોગ લીધો હતો. જેમાં વડોદરામાં વાઘોડિયા રોડ પર ટુ-વ્હીલર પર જતા એક યુવાનના ગળામાં પતંગની ચાઈનિઝ દોરી ભરાતાં ગળું કપાતા મોત નિપજ્યું હતું. જ્યારે ભાવનગરના સણોસરા ગામે એક રાહદારીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામે બાઈક પર પિતા સાથે જઈ રહેલા બાળકના ગળામાં દોરી ભરાતા બાળકનું મોત નિપજ્યું હતું
રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાષ સાથે કરવામાં આવી હતી. લોકોએ મનભરીને પતંગ ચગાવી હતી. પરંતુ આ દરમિયાન ચાઇનીઝ દોરીને કારણે દુર્ઘટનાઓ પણ બની હતી. રાજ્યમાં ચાઇનીઝ દોરીને કારણે બાળક સહિત ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. દોરીને કારણે ગળું કપાવાથી ભાવનગર, વડોદરા અને શહેરાના બોરડી ગામે બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત થયા છે. ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ છે છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. પંચમહાલના વાળીનાથ ગામ પાસે પતંગની દોરીએ એક માસૂમનો જીવ લીધો હતો. ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરી ઘસાઈ જતા આઠ વ્યક્તિઓ ઇજાગ્રત થયા હતા.
વડોદરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ચાઇનીઝ દોરીથી ગળું કપાતા એક યુવકનું મોત થયું હતું. વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક ટુ-વ્હીલર પર જતાં 20 વર્ષના અનિકેત નામના યુવકના ગળામાં દોરી ભરાતા તેનું ગળું કપાય જતાં મોત નીપજ્યું છે. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
દોરીથી ગળું કપાઈ જવાનો બીજો બનાવ ભાવનગર જિલ્લાના સણોસરા ગામે બન્યો હતો. સણોસરા ખાતે લશ્કરભાઈ ચૌહાણ નામના વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા તે સમયે ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા હતા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી લશ્કર ભાઈનું ગળું કપાયું હતું. રસ્તા પર લોહીલુહાણ થઈ ગયા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મોત થયું હતું. ઉત્તરાયણનો તહેવાર ચૌહાણ પરિવાર માટે માતમમાં ફેરવાયો છે. આ ઉપરાંત ભાવનગરના ચિત્રા વિસ્તારમાં પતંગ લૂંટતા બે યુવાનોને વીજ શોક લાગ્યો હતો. પતંગ લૂંટતા બે યુવાનોએ લોખંડનો સળિયો ઊંચો કરતા 11 KV વીજ લાઇનને અડી ગયો હતો. 11 KV લાઇનને સળિયો અડકી જતા બંને યુવાનોને વીજ શોક લાગ્યો હતો. બંને યુવાનોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં એકની હાલત ગંભીર હોવાની માહિતી.
પતંગની દોરીથી મોતનો ત્રીજો બનાવ શહેરા તાલુકાના બોરડી ગામો બન્યો હતો. શહેરા તાલુકામાં આવેલા બોરડી ગામના 5 વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. બાળક તેના પિતા સાથે મામાને ઘરે મહીસાગર ગયો હતો. ત્યાંથી પિતા સાથે મોટરસાઈકલ ઉપર પરત ફરતી વખતે વાળીનાથ ખારોલ ગામ પાસે પતંગની દોરી બાળકના ગળામાં ભરાઈ જતાં બાળકનું ગળું કપાઈ ગયું હતું.