નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી છે. આ પોસ્ટમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનરે ભગવાન રામને પોતાના રાજા ગણાવ્યા છે.
અયોધ્યામાં રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેવામાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પીનર દાનિશ કનેરિયાએ સોશયલ મીડિયામાં લખ્યુ છે કે અમારા રાજા શ્રીરામનું ભવ્ય મંદિર બનીને તૈયાર છે અને હવે માત્ર આઠ દિવસનો ઈન્તજાર છે. જય શ્રીરામ. આ પોસ્ટની સાથે જ કનેરિયાએ પોતાની એક તસવીર પણ શેયર કરી છે. આ તસવીરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પીનર ભગવા ઝંડા સાથે દેખાય રહ્યા છે. આ પોસ્ટને સોશયલ મીડિયા પર ખૂબ શેયર કરાય રહી છે.
દાનિશ કનેરિયા પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં પોતાની સાથે થયેલા ભેદભાવને લઈને ઘણીવાર જાહેરમંચો પર નિવેદન આપી ચુક્યા છે. તેઓ સતત ભારતના સમર્થનમાં બોલતા રહ્યા છે. તાજેતરમાં તેમણે માલદીવ અને ભારતની વચ્ચે વિવાદ દરમિયાન પણ એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે બસ લક્ષદ્વીપ લખીને એક ફાયરવાળી ઈમોજી શેયર કરી હતી. દાનિશ કનેરિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ચાહક છે અને ગત કેટલાક સમયથી સતત વડાપ્રધાનના વખાણ સોશયલ મીડિયા પર કરતા જોવા મળ્યા છે.
અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. કાર્યક્રમ પહેલા જ 15 જાન્યુઆરીથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ જશે, જે આગામી 70 દિવસો સુધી સતત સંચાલિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન તરીકે અયોધ્યામાં હાજર હશે. આ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવ છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશના ભક્તગણ અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે.