રાજકોટઃ શહેરમાં ઘણા વિસ્તારો એવા છે. કે, વર્ષોથી દબાણો ખડકાયેલા છે. ત્યારે આરએમસી દ્વારા પોલીસના સહકારથી ગેરકાયદે દબાણો હટાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ હેતુના અનામત પ્લોટમાં થઈ ગયેલા દબાણો દૂર કરવા માટે ત્રણ ઝોનમાં એકસાથે જ મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી હોસ્પિટલ પાછળ, પીપળીયા હોલ પાસે, રેલનગરમાં પાણીના ટાંકા પાસે તેમજ કોઠારિયામાં ટીપી શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કુલ 26થી વધુ ઝુપડા, પ્લિન્થ લેવલ સુધીના 5 બાંધકામ, 3 ઓરડી, એક ગેરેજ, 10 જેટલા પતરાના શેડ તેમજ એક દુકાન અને કમ્પાઉન્ડ વોલના દબાણો દુર કરીને 91.44 કરોડની કિંમતની 15,394 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આરએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડી જાય એ પૂર્વે ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરવા માટે ત્રણેય ઝોનમાં એકસાથે હાલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે વોર્ડ નં. 10માં કોમર્શિયલ હેતુના રૈયા ટીપી સ્કીમ 16 હેઠળ આવેલા બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળના 4776 ચો.મી. પ્લોટમાં 12 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા. અહીં નજીકમાં જ અન્ય એક આવાસ યોજનાના હેતુ માટેના પ્લોટમાં પણ બની ગયેલા 9 ઝૂપડાં પણ દૂર કરી 13.42 કરોડની 2221 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં.17માં પીપળીયા હોલ પાસે ફાયર સ્ટેશન બનાવવા માટે અનામત રખાયેલા 1800 ચો.મી. પ્લોટમાંથી 5 ઝુપડ્ડા દૂર કરી 9 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ રેલનગરમાં પાણીના ટાંકા પાસે 3880 ચો.મી.ના પ્લોટમાં 3 ઓરડી અને પ્લીન્થ લેવલ સુધી પહોંચી ગયેલા 2 બાંધકામનો કડૂસલો બોલાવી રૂ. 15.46 કરોડની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. જ્યારે કોઠારિયા રોડ ટીપી સ્કીમ નં.12માં રહેણાંક હેતુના વેચાણ માટેના 2114 ચો.મી. પ્લોટમાં એક ગેરેજ, એક દુકાન તથા કમ્પાઉન્ડ વોલના દબાણ થઇ ગયા હતા. આજે 12.68 કરોડની આ જમીન પરના દબાણોનો કડૂસલો બોલાવી દેવામા આવ્યો હતો. એટલું જ નહીં નજીકમાં જ આવેલા ગાર્ડન બનાવવાના હેતુ માટે અનામત રખાયેલા એક પ્લોટમાં બની ગયેલા પતરાના 10 શેડ તોડી રૂ. 2.78 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આમ તમામ 6 જગ્યાએ થયેલા ડિમોલિશનમાં 26 ઝુપડા, 5 પ્લીન્થ, 3 ઓરડી, ગેરેજ, દુકાન અને કમ્પાઉન્ડ વોલ તેમજ પતરાના 10 શેડનો કડૂસલો બોલાવીને રૂ. 91.44 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.