અમદાવાદના ખોખરામાં 125 કિલો દોરાને સળગાવીને નાશ કરાયો
અમદાવાદઃ શહેરમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા ખુલ્લા સ્થળો ઉપર પડેલી દોરી એકત્ર કરીને નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે. મુંગા જીવ માટે આ દોરી ઘાતક સાબિત ના થાય તે માટે આ સેવાકીય યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન ખોખરા વિસ્તારમાં એકત્ર કરવામાં આવેલી લગભગ 125 કિલો દોરીની નાશ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરોએ સમગ્ર ખોખરા વિસ્તારમાં ઉતરાયણના બે દિવસ દરમ્યાન મોટી માત્રામાં દોરી એકત્ર કરી હતી. અબોલ જીવ એવા પક્ષીઓ માટે ઘાતક ના બને તે માટે ધાબા અને ઝાડો પર ની વીંટળાયેલ દોરી ના ગુચ્છા ઓને ઉતારીને એકઠી કરવામાં આવી હતી. દરમિયાન આજે બુધવારે ખોખરા સર્કલ પાસેના કમળ મેદાનમાં દોરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જીવદયાના ઉમદા હેતુથી સમગ્ર ખોખરા વિસ્તારના પતંગ રસિકોઓએ 125 કિલો નકામા થઈ ગયેલા દોરા જે પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય તે પહેલા જ તેની હોળી પઁગટાવીને સંપૂર્ણ નાશ કયોઁ હતો. ખોખરામાં વિવિધ સ્થળો ઉપરથી દોરી એકત્ર કરવાની કામગીરીમાં સામાજીક કાર્યકરોઅને આગોવાનોની સાથે જાણીતી જયસોમનાથ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયાં હતા.
અમદાવાદ શહેરમાં તા. 14 અને 15મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક પક્ષીઓ પતંકની દોરીથી ઘાયલ થયાં હતા. ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું.