રાહુલ ગાંધી પણ રંગાયા ભગવાન શ્રી રામના રંગમાં….. હનુમાનજીના અવતારમાં જોવા મળ્યાં
નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ભગવાન હનુમાનજીના ચહેરાનો મુખોટો અને હાથમાં ગદા પકડેલા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના નેતાઓની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની યાત્રા શુક્રવારે અસમના જોરહાટ જિલ્લાથી શરુ થઈ હતી. નદીમાં સવાર થઈને નિમતીઘાટથી માજુલી દ્રીપ પહોંચ્યાં હતા. અહીં રાહુલ ગાંધીએ શ્રી શ્રી ઔનિયાતી સત્રમાં પુજા અર્ચના કરી હતી. જે બાદ તેઓ લોક કલાકારોને મળ્યા હતા. આ દરમિયાન મુખોટો પહેરીને હાથમાં ગદા ધારણ કરી હતી. રાહુલ ગાંધીએ એક જનસભાને પણ સંબોધિત કરી હતી. જેમાં ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ પોતાને પણ આદિવાસી ગણાવ્યા હતા. તેમણે આદિવાસીનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, આદિકાળથી રહેનારને આદિવાસી કહેવાય છે. જ્યારે ભાજપા આપને વનવાસી કહે છે જેનો અર્થ વનમાં રહેનાર તેવો થાય છે. અમે ઈચ્છીએ છીએ કે, આપને તમામ અધિકારો પરત મળવા જોઈ. આપનું પાણી, જમીન અને વન આપનું જ રહેવુ જોઈએ. ભાજપા સમગ્ર દેશમાં આદિવાસીઓની જમીન પડાવી લેવા માંગતી હોવાનો પણ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીએ મણિપુરની ભારત જોડો યાત્રા શરુ કરી છે. આ દરમિયાન માર્ગમાં તેઓ લોકોને મળશે તેમને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રવાસ કરશે. આ યાત્રા મુંબઈમાં આવીને પૂર્ણ થશે. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ જોડાયાં છે.