કડીના વાઘરોડાની સીમમાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં
મહેસાણાઃ જિલ્લાના કડીના વાઘરોડા સીમમાં આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતાં એરંડા અને અજમો સહિતના રવિપાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર આપવા માટે માગ કરી છે. નર્મદા માઈનોર કેનાલ જર્જરિત બની ગઈ છે. કેનાલની મરામત માટે અગાઉ પણ ખેડુતોએ રજુઆતો કરી હતી. પણ નર્મદા વિભાગના અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યુ નહતું. જર્જરિત બનાલી માઈનોર કેનાલમાં વારંવાર ગાબડાં પડતા હોવાથી ખેડૂતો થેલીઓ મકીને જાતે જ રીપેર કરે છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરાતું નથી. ખેડૂતોએ યોગ્ય સમારકામ માટે અનેક વખત રજૂઆત કરી પરંતુ નક્કર કામગીરી કરાતી નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે માગ કરી છે. સાથે વળતર ચૂકવવાની પણ માગ કરી છે.
ગુજરાતમાં નર્મદાની માઈનોર કેનાલોમાં ગાબડાં પડવાના બનાવો બની રહ્યા છે. બે દિવસ પહેલા જ પાટડી વિસ્તારમાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે કડીના વાઘરોડાની સીમમાં પણ માઈનોર કેનાલમાં ગાબડુ પડતુ ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે. નર્મદાની આ કેનલામાં ગાબડું પડતા 10 વીઘા કરતા વધુ જમીનમાં આ કેનાલનુ પાણી ફરી વળ્યું હતુ, જેના કારણે ખેડૂતોને પારવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળતાં, ખેતરમાં રહેલા એરંડા અજમા સહિતના કેટલાક ઉભા પાકોને વ્યપાકપણ નુકસાન પહોંચ્યુ છે. જિલ્લામાં ફરી એકવાર નર્મદા વિભાગના પાપે ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે.