ભારતીય શેરબજારમાં ફાર્મા સિવાય તમામ સેક્ટરના શેર લાલ નિશાન સાથે બંધ રહ્યાં
અમદાવાદઃ ભારતીય શેર બજારમાં બે દિવસની તેજી બાદ આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. સેંસેક્સ 1053 પોઈન્ટ તુટીને 70370 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 330.15 પોઈન્ટના ઘટાડા સાથે 21241ના સ્તર ઉપર બંધ રહ્યું હતું. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ફાર્મા કંપનીઓને બાદ કરતા બીએસઈમાં તમામ સેક્ટરમાં મંદી રહી હતી. મિડકેપ, સ્મોલકેપ શેરમાં જોરદાર વેચવાલી રહી હતી. બેંકિંગ શેરમાં પણ ઘટાડો રહ્યો હતો. રિયલ્ટી, પીએસઈ અને મેટલ શેરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. કારોબારના અંતમાં સેંસેક્સ 1.47 ટકા એટલે કે 1053.10 પોઈન્ટના ઘટાડા સાથે 70370.55ના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ 330થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી લગભગ 1.35 ટકાના ઘટાડા સાથે 21240 પોઈન્ટની આસપાસ બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. જો કે, ભારે વેચવાલીને પગલે બીએસઈ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયાં હતા. ભારતીય શેરબજારમાં આવેલા મોટા કડાકાને પગલે રોકાણકારોનું લાખો-કરોડોનું ધોવાણ થયું છે. આજે બજારમાં માત્ર ફાર્મી કંપનીના શેરમાં ખરીદી જોવા મળી હતી. માર્કેટ તુટતા બીએસઈની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 8.08 લાખ કરોડનો ઘટાડો થયો છે. આમ રોકાણકારોના રૂ. 8.08 લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે માર્કેટમાં માત્ર ફાર્મા અને હેલ્થકેર ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયાં છે. નિફ્ટી બેંક 2.26 ટકા તુટીને બંધ રહ્યો હતો.