હરણી તળાવ દુર્ઘટના કેસમાં કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના પાર્ટનરને પોલીસે ઝડપી લીધો
અમદાવાદઃ વડોદરાના હરણી તળાવમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જવાના ચકચારી કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હરણી તળાવમાં બોટ પલટી ખાવાના કેસમાં પોલીસે 19 આરોપીઓ સામે ગુનો નોંધી હતી. તેમજ બોટીંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના ભાગીદારોને ઝડપી લેવા તપાસ શરુ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. ખાસ તપાસ ટીમે હરણી લેકઝોન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ધરાવતી કોડિયા કંપનીના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાને ઝડપી લીધો હતો. તેમજ તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન વોન્ટેડ છે. આ ઉપરાંત 12 જેટલા આરોપી પોલીસ પકડથી દુર છે. ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મૂળ ભરુચનો બિનીત છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાં રહેતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની સ્કૂલના નાના ભૂલકાઓને લઈને પ્રવાસ અર્થે હરણી તળાવ લઈ જવાયાં હતા. અહીં વિદ્યાર્થીઓને બોટીંગ કરાવવામાં આવી હતી. દરમિયાન 25થી વધારે વિદ્યાર્થીઓ સહિત 31 જેટલા વ્યક્તિઓ ભરેલી બોટ પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શિક્ષકો અને 13 જેટલા વિદ્યાર્થીઓના કરુણ મોત થયાં હતા. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.