કડીમાં 2151 ફુટના તિરંગા સાથે યાત્રામાં ભરત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ સર્જાયો
ગાંધીનગરઃ કડીમાં 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો ગુંજી ઊઠ્યા હતા. આમ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તિરંગા યાત્રા પસાર થતાં નાગરિકો જોડાયા હતા. શહેરમાં 10 કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં યાત્રા ફરી હતી. યાત્રામાં પ્રારંભથી 1500થી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મિત્રો જોડાયા હતા.
કડી સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ઉપક્રમે અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરાયુ હતું. લોકો રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રના પ્રતિકોનું મહત્ત્વ સમજે, સ્વતંત્રતાનું મૂલ્ય જાણે અને તેનું જતન કરે, તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની સાહદતને યાદ કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે તે માટે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રા 25 જાન્યુઆરીએ યોજાતા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
કડી શહેરમાં નીકળેલી તિરંગાયાત્રા બે કિલોમીટર લાંબી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતાં નાગરિકો જોડાયા હતા. શહેરમાં 10 કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં યાત્રા ફરી હતી. યાત્રામાં પ્રારંભથી 1500થી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મિત્રો જોડાયા હતા. સમગ્ર કડી શહેરમાં તિરંગા યાત્રા પરિભ્રમણ કરતા સમગ્ર શહેર દેશભક્તિમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો ગુંજી ઊઠ્યા હતા.