ભાવનગરઃ જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ભાવનગરના યાર્ડમાં માત્ર એકજ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીથી રેકર્ડબ્રેક આવક થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર વગેરે પાકની આવક થઈ રહી છે. જ્યારે જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં પણ લાલ અને સફેદ ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે.
ભાવનગર શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં ડુંગળીની સીઝનને પગલે મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જ્યારે યાર્ડમાં પર પ્રાંતના વેપારીઓને 94 હજારથી વધુ ગુણીનું વેચાણ થયું હતું. ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં સારા વરસાદને પરિણામે ડુંગળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. જેના પગલે સમગ્ર જિલ્લામાં છેલ્લા એકાદ માસથી તમામ તાલુકાઓનાં માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભરપુર આવક થઈ રહી છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડ દ્વારા ડુંગળી માટે નારી ચોકડી ખાતે માલ રાખવાની તથા હરરાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત રાત્રીએ એક દિવસમાં 2 લાખ બોરીની આવક થઈ હતી જેના કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું હતું. શનિવારે માર્કેટિંગ યાર્ડ ખાતે 94 હજાર બોરી ડુંગળીનું રેકોર્ડ બ્રેક વેચાણ થવા પામ્યું હતું, જેમાં લાલ ડુંગળી 94,257 બોરીઓ જેનો ભાવ 120થી લઈ 273 સુધી મણના ભાવ મળ્યા હતા, તથા સફેદ ડુંગળી 593 બોરીઓ જેનો ભાવ 198 થી લઈ 260 સુધીના ભાવ મળ્યા હતા આમ, લાલા અને સફેદ ડુંગળીઓની બોરીઓ મળી કુલ 94,850 ડુંગળીની રેકોર્ડ બ્રેક બોરીઓનું વેચાણ થયું હતું,
ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીહાઇડ્રેશનના કારખાનો હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 27 જાન્યુઆરીના રોજ સફેદ ડુંગળીના ઢગલા થયા હતા. 27 જાન્યુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. 27 જાન્યુઆરીના રોજ કુલ 14 જણસીઓની આવક નોંધવામાં આવી હતી.