પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી
નવી દિલ્હીઃ આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઈમરાનને 10 વર્ષની સજા ફરમાવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્તાપક ઈમરાન ખાનની સામે સાઈફર કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન ઉપરાંત પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ આ કેસમાં કોર્ટે સજા ફરમાવી છે. ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ હેઠળ રચાયેલી ખાસ કોર્ટે બંને નેતાઓ સામે આદેશ કર્યો હતો. શાહ મહમૂદ કુરેશીને એક વર્ષની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજવામાં આવી છે. ઈમરાન ખાન અનેક મુશ્કેલીઓ સામે આ ચૂંટણીમાં લડવાના પ્રયાસો કરી રહ્યાં હતા. ઈમરાન ખાન પાસે હાલ કોઈ ચૂંટણી ચિન્હ નથી. સાઈફર કેસ એક ડિપ્લોમેટિક ડોક્યુમેન્ટ સાથે જોડાયેલો છે. ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે ઈમરાનખાન અને શાહ મહમૂદ કુરેશીની પોસ્ટ એરેસ્ટ બેલ્સને મંજુરી આપી હતી. પૂર્વ પીએમ આ દરમિયાન અન્ય કેસમાં જેલમાં હતા. પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આર્થિક રીતે કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલને પગલે દેશની પ્રજાની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે. બીજી તરફ નવાઝ શરીફ સહિતના રાજકીય નેતાઓ દ્વારા હાલ જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.