ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી, જમીન કૌભાંડમાં ઈડીએ શરુ કરી પૂછપરછ
નવી દિલ્હીઃ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને આ કેસમાં ઈડી તેમની ધરપકડ કરે તેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. ત્યારે તેમની જગ્યાએ ઝારખંડના મુખ્યમંત્રી પદની જવાબદારી તેમની પત્ની કલ્પના સોરેનને સોંપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન ઈડીની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. તેમજ હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ઈડીએ આ કેસમાં હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું હતું. જો કે, કેટલાક કારણોસર તેઓ ઈડી સમક્ષ ઉપસ્થિત રહી શક્યા ન હતા. દરમિયાન આજે સવારે હેમંત સોરેને પિતા શિબુ સોરેનની મુલાકાત લીધી હતી. તેમજ તેમની સાથે લાંબી ચર્ચા કરી હતી. બીજી તરફ ઈડી આ કેસમાં તેમની ધરપકડ કરે તેવી અટકળો વહેતી થઈ છે.
દરમિયાન હેમંત સોરેનના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સોરેનની પાર્ટી જેએમએમના કાર્યક્રરોએ સમગ્ર ઘટનાની વિરોધમાં દેખાવો કરીને સુત્રોચ્ચાર કર્યાં હતા. દરમિયાન ઈડીની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનના આવાસ પર પહોંચી હતી. તેમજ આગવી ઢબે પૂછપરછ આરંભી હતી. દરમિયાન ઝારખંડ સરકારના મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે તમામ પરિસ્થિતિઓની સામે સમગ્ર તાકાતથી ઉભા છીએ. લોકશાહીને કોઈ પણ કિંમતે બચાવીશું. લોકોએ બહુમત આપ્યો છે, લોકોના વિકાસ માટે રાજ્ય સરકાર કામ કરતી રહેશે.