અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર થુંકશો તો 500 રૂપિયાનો દંડ કરાશે, હવે CCTVથી મોનિટરિંગ કરાશે
અમદાવાદઃ શહેરના જાહેર રોડ-રસ્તાઓ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે. હવે જાહેર રસ્તાઓ પર પાન-મસાલાની પિચકારી કે થુંકવામાં આવશે તો 500 રૂપિયા દેડની જોગવાઈ કરવામાં આવી છે. રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હિકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે, જેના કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. એએમસીની મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, જાહેરમાં જે પણ લોકો થૂંકી ગંદકી ફેલાવે છે, તેવા લોકો ને દંડ કરી કાર્યવાહી કરવામાં આવે. તેમજ જાહેર રોડ પાનની પિચકારીઓ મારી ગંદકી ન કરે તેના માટે અવેરનેસ કાર્યક્રમ કરવા માટે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીની ગુરૂવારે મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી. શહેરના જાહેર રોડ ઉપર તેમજ કેટલીક મિલકતો ઉપર લોકો પાનની પિચકારીઓ મારી અને ગંદકી ફેલાવતા હોય છે. જેના કારણે જે પણ દિવાલો અને રોડ ખરાબ થાય છે. ખાસ કરીને લોકો જ્યારે ચાર રસ્તા ઉપર સિગ્નલ બંધ હોય ત્યારે ઊભા રહે છે, તે દરમિયાન પાન- મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે. જેથી હવે જાહેરમાં થૂંકી અને ગંદકી ફેલાવતા હોય તેવા લોકોને દંડવાની શરૂઆત કરવામાં આવશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા ચાર રસ્તા ઉપર તેમજ જાહેર જગ્યા ઉપર ઊભા રહીને જે પણ લોકો આવી ગંદકી ફેલાવતા હોય તેઓને પકડી દંડ કરવામાં આવશે.
શહેરના જાહેર રોડ ઉપર ઉભા રહી થૂંકી ગંદકી ફેલાવવામાં આવશે તો એએમસીની ટીમ દ્વારા રૂ.50થી 100 સુધીનો દંડ કરવામાં આવશે. જ્યારે વાહન ઉપર જતા સમયે ટૂંકી અને ગંદકી ફેલાવવામાં આવશે તો 50થી લઇ 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરા મારફતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરી અને આવા લોકોને ઈ મેમો મારફતે દંડ ફટકારવામાં આવશે.