1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ
થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

0
Social Share

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને ફેબ્રુઆરીના અંત સુધી પક્ષી અભયારણ્યમાં પક્ષીઓ જોવા મળતા હોય છે. તાજેતરમાં જ 27 અને 28 જાન્યુઆરી દરમિયાન થોળ તળાવના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ બંધી હતી કેમ કે સમગ્ર પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં પક્ષીવિદોએ જુદી જુદી પધ્ધતિ દ્વારા અંદાજે ૪૫ થી ૫૦ હજાર પક્ષીઓ હોવાનું તારણ કાઢ્યુ  છે, આગામી દિવસોમાં ઝોન પ્રમાણે ડેટા ભેગો કરીને કેટલા, કેવા અને ક્યા પક્ષીઓ છે તેના વિશે તારણો કાઢવામાં આવશે.

પ્રવાસીઓની વાત કરીએ તો થોળ ખાતે વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ  ૫૬, ૪૯૦ પ્રવાસીઓએ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૬૬૫૪૨ પ્રવાસીઓએ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં અત્યાર સુધીમાં ૪૨૮૧૫ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સન ૧૯૧૨માં ગાયકવાડ શાસનકર્તાના સમયમાં થોળથી પશ્ચિમે આવેલ નિચાણવાળા મહેસાણા જિલ્લાના કડી તાલુકા અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગામોને પૂરની પરિસ્થિતિથી બચાવવા માટે માટીનો પાળો બાંધવામાં આવ્યો હતો. આ સરોવર અમદાવાદથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલું છે. સરોવરનો વિસ્તાર ૬૯૯ હેકટર (૬.૯૯, ચો.કિ.મી.) છે. સિંચાઈ તળાવ તરીકે ઉપયોગમાં લેવાતા આ સરોવરમાં હજારોની સંખ્યામાં જળાશયના પક્ષીઓ આવે છે તેમજ વસવાટ કરે છે અને શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહે છે.

બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ આ સરોવરના વિસ્તારને મહત્વના પક્ષી વિસ્તાર તરીકે જાહેર કરેલું છે. સને ૧૯૮૬માં ગુજરાત સરકારે આ સરોવર વિસ્તારને ‘ગેઈમ રિઝર્વ’ જાહેર કર્યુ હતું. ત્યારબાદ સને ૧૯૮૮ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૧૮ અન્વયે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. સને ૧૯૮૮થી આ જલપ્લાવિત વિસ્તાર અભયારણ્ય જાહેર થવાથી તેનું સંરક્ષણ અને વ્યવસ્થાપન વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. થોળ જલપ્લાવિત વિસ્તારમાં જુદી જુદી નહેર દ્વારા વરસાદી પાણી આવે છે. સરોવરની સંગ્રહશક્તિ મુજબ ૯ ફુટ પાણીના લેવલ બાદ વધારાનું પાણી વેસ્ટ વિયર મારફત વહી જાય છે. આ સરોવરની મહત્તમ પાણી સંગ્રહશક્તિ ૩૧૨ મેગા ઘન ફુટ છે. તેમછતાં રાજય સરકાર દ્વારા પક્ષીઓના લાભાર્થે ૩ ફુટ થી ૬ ફુટ પાણીનું લેવલ રાખવામાં આવે છે.

આ જલપ્લાવિત વિસ્તારમાં મુખ્ય ચાર પ્રકારની માછલીઓ મળી આવે છે. જેમાં શીંગી, કટલા, રોહું અને મિંગ્રલ છે. આ ઉપરાંત ઉભયજીવી પ્રાણીમાં બુલફ્રોગ અને માર્બલ ટોડ છે. સરિસૃપ પ્રાણીઓમાં રેટ, સ્નેક, કોબ્રા, ચેકર્ડ કીલબેક, ગાર્ડન, લિઝાર્ડ, ફેન થ્રોટેડલિઝાર્ડ, શ્રીંક, બેગાલ મોનિટર લિઝાર્ડ, ઈન્ડીયન ફલેપસેલ ટર્ટલ વગેરે મળી આવે છે. થોળ અભયારણ્યમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન યાયાવર તથા સ્થાનિક અલગ અલગ જાતનાં પક્ષીઓનો નઝારોએ અદભુત બાબત છે. ગ્લોસી આઈબીશ (Glossy Ibis) જે હજારોની સંખ્યામાં અંદાજે ૮૦ હજાર થી એક લાખ જેટલા પક્ષીઓની સંખ્યાએ વિશિષ્ટ બાબત છે. પેલીકન, મત્સ્યભોજ તથા અન્ય શિકારી પક્ષીઓને મોટે ભાગે માછલીઓની અલગ અલગ જાતનો વિપુલ જથ્થો હોઈ પુરતો ખોરાક મળી રહે છે. અભયારણ્યમાં મોટે ભાગે દેશી બાવળનાં વૃક્ષો ઘણા જ પ્રમાણમાં હોઈ પક્ષીઓના માળા માટે સુરક્ષિત સ્થળ સાબિત થયેલું છે. આ વિસ્તારમાં સ્થાનિક રીતે જાગૃત શિક્ષિત તથા જીવદયાની લાગણીસભર લોકો વસતા હોઈ પક્ષી શિકારની અન્ય વિસ્તારની તુલનાએ કોઈપણ પ્રકારે ઘટના બનેલી નથી એ પ્રસંશાપાત્ર તથા નોંધપાત્ર બાબત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code