રાજકોટઃ શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. જેના કારણે કેટલાક રોડ-રસ્તાઓ વાહનોથી ભરચક જોવા મળતા હોય છે. શહેરમાં કોટેચા ચોકથી SNK સ્કૂલચોક સુધીના યુનિવર્સિટી રોડ પર ટ્રાફિકની ગીચતા દૂર કરવા માટે અઢી કિલો મીટર સુધી રોડની બન્ને સાઈડમાં બે-બે મીટર એટલે કે 13 ફુટથી વધુ કપાત કરાશે, આરએમસીની સ્ટેન્ડિગ કમિટી દરખાસ્તને મંજુર કરતા હવે ટુક સમયમાં કામગીરી શરૂ કરાશે.
આરએમસીની ટીપી શાખા દ્વારા શહેરના કાલાવડ રોડ બાદ હવે યુનિવર્સિટી રોડ પહોંળો કરવા કવાયત હાથ ધરવામાં આવશે. જેમાં કોટેચા ચોકથી SNK સ્કૂલ ચોક સુધી ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોવાથી આ 2.5 કિમીમાં બંને બાજુએ 2-2 મીટર એટલે કે લગભગ 13 ફૂટથી વધુ કપાત કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલ, સેન્ટમેરીઝ સ્કૂલ અને એસએનકે સ્કૂલ સહિત કુલ 80 જેટલી મિલકતો કપાય તેવી શક્યતા છે. સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કરાયેલા વર્ષ 2024-25ના બજેટમાં મુકવામાં આવેલી આ દરખાસ્ત મંજૂર થતા ટૂંક સમયમાં આ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
આ અંગે આરએમસીના ટાઉન પ્લાનિંગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના કોટેચા ચોકથી એસએનકે સ્કૂલ (આકાશવાણી ચોક) સુધીના યુનિવર્સિટી રોડની હાલની પહોળાઈ 20 મીટર છે. આગામી દિવસોમાં રોડની બંને બાજુએ 2-2 મીટરની કપાત લાગુ કરી આ રસ્તો 24 મીટર પહોળો કરાશે. હાલ આ રોડ અંદાજે 65.60 ફૂટ પહોળાઈનો છે. તે 78.72 ફૂટ પહોળાઈનો થશે. આ માટે યુનિવર્સિટી રોડની બંને બાજુએ 6.57 ફૂટ એટલે કે બંને બાજુએ મળી કુલ 13.12 ફૂટની કપાત થશે. રસ્તાની બંને બાજુ અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે. પરંતુ રહેણાંક મકાન કે કોમર્શિયલ કોમ્પ્લેક્સને કપાતની ખાસ અસર થાય તેવું નથી. મોટાભાગે બિલ્ડિંગના માર્જિન-પાર્કિંગ જ કપાતમાં જાય તેવી શક્યતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના કોટેચા ચોકથી એસએનકે ચોક સુધીમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતી 3 મિલકતો આવેલી છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલ, સેન્ટ મેરીઝ સ્કૂલ અને આગળ જતાં એસએનકે સ્કૂલ આવે છે. આ ત્રણેય મિલકતો સહિતની અંદાજે 80 જેટલી મિલકતોને કપાતની અસર થશે તેવો પ્રાથમિક અંદાજ છે. જોકે, આગામી દિવસોમાં આ માટે વિસ્તૃત સર્વે કરાશે અને ડીર્માકેશન તેમજ નોટિસોની બજવણી સહિતની કાર્યવાહી કરાશે. હાલ બજેટમાં દરખાસ્ત મુકવામાં આવી છે. જે મંજૂર થયા બાદ નિયમ મજૂબ આગળની કાર્યવાહી શરૂ થશે.