સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રોજેક્ટ સફળ થતાં હવે એસએમસી દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશ દ્વારા અવાર-નાવર ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. જોકે, પ્લાસ્ટિક લોકોના જીવન સાથે વણાઈ ગયું હોય જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તેના નિકાલ માટે મ્યુનિ. દ્વારા કામગીરી કરવામાં આવે છે. સુરત મ્યુનિ.કોર્પોરેશને છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરીનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જેમાં ડામરની જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ રોડ બનાવવા માટે કરવામાં આવે છે. મ્યુનિ.એ 32.56 કિલોમીટરનો પ્લાસ્ટિકના વેસ્ટમાં મજબુત રોડ બનાવ્યો છે.
આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી દૈનિક 20 એમ.ટી. પેલેટસ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ માટે કરવામાં આવે છે. જ્યારે એક કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, હાલમાં પાલિકાએ 32.56 કિલોમીટરના રોડ પ્લાસ્ટિક વેસ્ટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. આ મ્યુનિ.કોર્પોરેશનનો પાયલોટ પ્રોજેક્ટ છે. અને તે સફળ થતા હવે આગામી દિવસોમાં વધુ રોડ પણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે.