વડોદરાઃ નાગરિકોના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે નવા રોડ બનાવવામાં આવતા હોય છે. પણ રોડ નીચે ડ્રેનેજ, પાણીની પાઈપલાઈનો તેમજ ઈલેક્ટ્રિક સહિત અન્ય કેબલો હોવાથી એના મરામત માટે રોડને ખોદવામાં આવતો હોય છે. અને એનું યોગ્ય પુરાણ પણ કરવામાં આવતું નથી. આ સમસ્યા તમામ શહેરોમાં જોવા મળતી હોય છે. વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર દિવસમાં જ ખોદી નાંખ્યો છે. નવા જ રોડને ખોદી નાંખવામાં આવતા કોંગ્રેસે વિરોધ કર્યો છે. ખોદકામ માટે પરવાનગી પર ન લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. મ્યુનિ.ના રોડ શાખાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતની પોલ ખુલ્લી પડી હતી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 15 દિવસ પહેલા જ શહેરના પંડ્યા બ્રિજથી નવા યાર સુધી રૂપિયા 5.50 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી તે કહેવતની જેમ રોડ બન્યા બાદ તંત્રની બીજી કામગીરી યાદ આવતી હોય છે. રોડ બન્યા બાદ જેટકોના કોન્ટ્રાક્ટરો દ્વારા નવા બનેલા રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદી નાગરિકોના ટેક્સના નાણાંનું વેડફાટ કર્યો છે. જેમાં મ્યુનિ.ના અધિકારીઓએ પણ મંજુરી કેમ આપી તે સવાલ છે. આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ખાડામાં ઉતરીને મ્યુનિ.ના ભષ્ટાચારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વડાદરા મ્યુનિ.કોર્પોરેશનના રોડ શાખાના કાર્યપાલક ઈજનેર પ્રશાંત જોષીને સમગ્ર મામલે સવાલ કરતા પોતે રોડ ઉપર થયેલા ખોદકામથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. પંડ્યા બ્રિજથી નવાયાર્ડ તરફનો 5.50 કરોડના ખર્ચે થોડા સમય અગાઉ રોડ બનાવાયો હતો. પરવાનગી લીધા વિના કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ કરાતા તત્કાલીન કામ બંધ કરવામાં આવ્યું છે. નિયમ મુજબ જેટકોના કોન્ટ્રાકટરે નવા રોડને ખોદવાની પરવાનગી રોડ શાખા પાસે લીધી નથી. રોડ પર કામગીરી કરાવવા અનિવાર્ય સંજોગોમાં વિભાગની સક્ષમ મંજૂરી લેવી જરૂરી છે. જે પરવાનગી લીધી ન હતી, જેના કારણે MGVCL નાં કોન્ટ્રાકટરને નોટીસ ફટકારાશે. રોડને થયેલા નુકશાનની ભરપાઈ કોન્ટ્રાકટરે કરવાની રહેશે. નુકશાન થયેલા રોડ કોન્ટ્રાક્ટરે સ્વ ખર્ચે બનાવી આપવો પડશે.