આતંકવાદી ભંડોળ કેસમાં NIAના જમ્મુ-કાશ્મીરમાં દરોડા
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન આજે એનઆઈએની ટીમે આતંકવાદી ભંડોળ કેસમાં પ્રતિબંધિત જમાત-એ ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કાશ્મીરના કેટલાક ભાગોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર દ્વારા આતંકવાદી ભંડોળના કેસના સંબંધમાં સર્ચ હાથ ધર્યું હતું, જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર નામનું આ સંગઠન ગેરકાયદેસર હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએના અધિકારીઓએ માત્ર કાશ્મીરના દક્ષિણ વિસ્તારમાં જ નહીં પરંતુ શ્રીનગર અને જમ્મુમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરોડા જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) સાથે ગાઢ સંકલનથી કરવામાં આવ્યું હતું.
28 ફેબ્રુઆરી, 2019 ના રોજ UA(P) એક્ટ હેઠળ ગેરકાનૂની સંગઠન જાહેર કર્યા પછી પણ, જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ભંડોળ પ્રવૃત્તિઓ હાથ ધરતી હોવાનું જાણવા મળ્યું છે.