ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને ટેકો આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી
નવી દિલ્હીઃ દેશમાં UPI ટ્રાન્ઝેક્શન પર ફોન પે અને ગુગલ પે જેવી એપ્સનું વર્ચસ્વ છે. આ કંપનીઓ દેશના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં લગભગ 83 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને ફિનટેક કંપનીઓના માલિકી હકો વિદેશી હાથમાં છે. હવે આ બંને કંપનીઓ માટે પડકાર ઉભો થઈ શકે છે. સંસદીય સમિતિએ સરકારને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને ટેકો આપવાની ભલામણ કરી છે.
સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં વિદેશી કંપનીઓની માલિકીના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું છે કે સરકારે આ એપ્સનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત, સ્થાનિક કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તકો પૂરી પાડવી જોઈએ. સમિતિનો આ 58 પાનાનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પેટીએમ પેમેન્ટ્સ બેંક આરબીઆઈ તરફથી કડક કાર્યવાહીનો સામનો કરી રહી છે. તેમની બેંકિંગ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે Paytm સામે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે.
સંસદીય સમિતિના અહેવાલ મુજબ, નવેમ્બર 2023 સુધી PhonePeનો UPI માર્કેટમાં 46.91 ટકા હિસ્સો હતો. Google Pay પણ 36.39 ટકા શેર સાથે બીજા સ્થાને હતી. દેશમાં વિકસિત BHIM UPI પાસે માત્ર 0.22 ટકા બજાર હિસ્સો છે. આ જ કારણ છે કે UPI ટ્રાન્ઝેક્શન મૂલ્યના સંદર્ભમાં પણ PhonePe અને Google Pay આગળ છે.
UPI પેમેન્ટ નેટવર્કનું સંચાલન કરતી કંપની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ પણ તાજેતરમાં આ વર્ચસ્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. NPCI ઈચ્છે છે કે માર્કેટ શેરની મહત્તમ મર્યાદા વધારીને 30 ટકા કરવી જોઈએ. NPCIએ 2020માં પ્રથમ વખત આ પ્રયાસ કર્યો હતો. તે ઇચ્છે છે કે મેક ઇન ઇન્ડિયાને ફિનટેક સેક્ટરમાં પણ પ્રમોટ કરવામાં આવે.
RBIની કડક કાર્યવાહીના કારણે Paytmના યુઝર્સની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ, તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે PhonePe, BHIM એપ અને Google Payના ડાઉનલોડ ઝડપથી વધી રહ્યા છે. આ ઉપરાંત Paytm પેમેન્ટ્સ બેંક સામે કરવામાં આવેલી કાર્યવાહીથી એરટેલ પેમેન્ટ્સ બેંકને પણ ફાયદો થયો છે.