અમદાવાદમાં કાલે સોમવારે 12 EV ચાર્જિગ સ્ટેશનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉદઘાટન કરશે
અમદાવાદઃ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનનો સંખ્યા વધતા જાય છે. ત્યારે વાહનચાલકોને પોતાના ઈલે, વાહનો માટે ચાર્જિંગની સુવિધા મળી રહે તે માટે શહેરમાં વધુ 12 જેટલાં ઈવી ચાર્જિંગ સ્ચેશનો બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે 12 ફેબ્રુઆરીના રોજ 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. શહેરના સ્ટ્રેટેજિક સ્થાનો પર આ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હોવાથી, નાગરિકોને બહોળી સુવિધાનો લાભ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ખાનગી કંપની દ્વારા નિર્મિત આ ચાર્જિંગ સ્ટેશનોની મદદથી અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જનના વિઝનને સાર્થક કરવાની દિશામાં મદદ મળશે. આ 12 ચાર્જિંગ સ્ટેશન પર ભારતમાં પ્રથમ વખત, નાગરિકોને પ્લગ એન્ડ ચાર્જની સુવિધા મળશે, જેથી વધારે ગૂંચવણ વિના સહજતાથી વાહન ચાર્જિંગ થઇ શકશે. આ ચાર્જિંગ સ્ટેશન્સની મદદથી ટુ વ્હિલર, 3 વ્હિલર અને 4 વ્હિલર વાહનોને ચાર્જિંગ સુવિધા મળશે. તેના લીધે અમદાવાદમાં રહેતા અને બહારથી પ્રવાસ કરતા ટ્રાવેલર્સ માટે EV ચાર્જિંગની સમસ્યા દૂર થશે, અને રાજ્યમાં EV વેચાણને પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે ખાનગી કંપનીએ જણાવ્યું હતું કે, અમારા ચાર્જિંગ સ્ટેશનો વ્યૂહાત્મક રીતે શહેરની આસપાસના મુખ્ય વિસ્તારોમાં, હાઇવે પર સ્થિત છે. તેના દ્વારા અમે એ સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જ્યાં પણ હોવ, ત્યાં હંમેશા નજીકમાં વિશ્વસનીય અને સુલભ ચાર્જિંગ પોઈન્ટ મળી રહે. રિયલ-ટાઇમ ઍક્સેસિબિલિટીની માહિતીને કારણે અમારું નેટવર્ક અલગ તરી આવે છે. તે ચાર્જિંગ સ્ટેશનોની શ્રૃંખલા માત્ર જ નથી. તે સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મોબિલેન કંપની દ્વારા આ ચાર્જિંગ સુવિધા શરૂ થવાથી, શહેરના EV વપરાશકર્તાઓની ચાર્જિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાનના સ્વચ્છ ઊર્જાના વિઝન અનુસાર હરિયાળું ભવિષ્ય બનાવવાની દિશામાં આ એક મહ્તવપૂર્ણ કામગીરી છે. આવનારો સમય EVનો છે, અને સમગ્ર વિશ્વમાં મોટાપાયે તેના પર કામ થઇ રહ્યું છે. આ EV ક્રાંતિમાં ગુજરાત રાજ્ય એક અગ્રણી યોગદાન આપનાર રાજ્ય તરીકે આગળ આવી રહ્યું છે, તે આપણા માટે ગૌરવની વાત છે.