નવી દિલ્હીઃ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 733 પોઈન્ટ ઘટીને 71000ની નીચે આવી ગયો હતો. બીજી તરફ આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ 21550ની નીચે પહોંચી ગયો હતો. સવારે 9:41 વાગ્યે, સેન્સેક્સ 635.08 (0.88%) પોઇન્ટ લપસીને 70,905.03 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી 173.41 (0.80%) પોઈન્ટ ઘટીને 21,569.85 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ હોવાના કારણે ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની ભીતિ વધુ ઘેરી બની છે. આ પછી ભારતીય બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં જાન્યુઆરીમાં ફુગાવાનો દર 3.1% હતો જ્યારે અર્થશાસ્ત્રીઓએ તે 2.9% રહેવાની આગાહી કરી હતી. ડિસેમ્બર મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો 3.4% હતો. બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઇટી, ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના શેર્સમાં 1-2%નો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી ઓટો, એફએમસીજી, મીડિયા, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસના શેર પણ લાલ નિશાન પર ખુલ્યા હતા.
મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જીના આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલમાં બદલ્યો છે. આ પછી કંપનીના શેરમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. બુધવારે નેશનલ એલ્યુમિનિયમ કંપનીના શેરમાં પણ ચાર ટકાના વધારા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું. કંપનીના શેરમાં આ વધારો વાર્ષિક ધોરણે નફામાં 84% વધારા પછી નોંધવામાં આવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં કંપનીએ રૂ. 470 કરોડનો નફો નોંધાવ્યો છે. કામગીરીમાંથી કંપનીની આવક પણ 2% વધીને રૂ. 3,347 કરોડ થઈ છે.