બારામતી બેઠક પર નણંદ-ભાભીનો જંગ: સુપ્રિયા સુલે સામે લડશે અજીત પવારના પત્ની ચૂંટણી?
પુણે: દેશની લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. જો કે હાલ ઉમેદવારોના નામની ઘોષણા થઈ નથી. પરંતુ કેટલાક સ્થાનો પર ઉમેદવારો લગભગ નિર્ધારીત છે. મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક હાઈપ્રોફાઈલ છે અને અહીં પવાર પરિવારની વચ્ચે ચૂંટણી જંગ લડાવાનો છે. એનસીપીના શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુલે ફરીથી અહીંથી ચૂંટણી લડશે. તો શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ ઉપમુખ્યમંત્રી અજીત પવાર જૂથને આ બેઠક મળશે. અજીત પવાર જૂથમાંથી ઉમેદવાર કોણ હશે, તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ અજીત પવારના પત્ની સુનેત્રા પવારની બારામતીથી ઉમેદવારી લગભગ નિશ્ચિત મનાય છે.
હાલમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે બારામતીથી સાંસદ છે. અજીત પવાર સુપ્રિયા સુલેના પિતરાઈ છે. સુપ્રિયા બારામતીથી ત્રણ ટર્મ લોકસભા માટે ચૂંટાયા છે. તેમની વિરુદ્ધ અજીત પવારના પત્ની ચૂંટણી લ઼ડે તેવી શક્યતા છે.
સુનેત્રા પવાર, અજીત પવારના પત્ની છે અને તેઓ એકપણ ચૂંટણી લડયા નથી. તેઓ પર્યાવરણ અને મહિલા-સંબંધિત પહેલોમાં સક્રિયપણે સામેલ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા અજીત પવારના નિકટવર્તી વીરધવલ જગદાલેએ બારામતી લોકસભા બેઠક પરથી સુનેત્રા પવારની ઉમેદવારીની માગણી કરી હતી.
તાજેતરમાં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં અજ્ઞાત લોકોએ અજીત પવારના પત્ની સુનેત્રા પવારવાળા બેનર પર સ્યાહી ફેંકી હતી. આ ઘટના પવાર પરિવારના ગૃહ ક્ષેત્ર બારામતી તાલુકાના કરહાટે ગામમાં થઈ હતી.
બારામતીમાં અજીત પવાર જૂથની બૂથ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સભામાં બોલતા અજીત પવાર ભાવુક થયા હતા. તેમણે પરિવારમાં અલગ-થલગ થવાની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નામોલ્લેખ કર્યા વગર સુપ્રિયા સુલે પર તેમણે નિશાન સાધતા કહ્યુ હતુ કે શ્રેષ્ઠ સાંસદનો ખિતાબ મળવાનો એ મતલબ નથી કે કામ કર્યું છે, તેના માટે પ્રયાસ જરૂરી છે.
બારામતીમાં કોણ ઉમેદવાર હશે, તે પણ અજીત પવારે સંકેતોમાં સમજાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તે સાંસદ તરીકે પહેલીવાર ઉભા રહેનાર ઉમેદવાર હશે. તેઓ એક ચૂંટાયેલા સાંસદથી વધુ કામ કરવાના છે. માટે સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે અજીત પવાર તેમના પત્ની સુનેત્રા પવારના બારામતી બેઠક પરથી ઉમેદવાર બનાવશે.
મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ જુલાઈમાં અજીત પવારે એનસીપીમાં બળવો કરીને કાકા શરદ પવારનો સાથ છોડીને એકનાથ શિંદેની સરકારમાં તેઓ સામેલ થયા હા. તેમણે ભાજપ-શિંદે સરકારમાં ઉપમુખ્યંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. અજીત પવારની સાથે ઘણાં ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા. ગુરુવારે જ વિધાનસભા અધ્યક્ષે અજીત પવાર જૂથની એનસીપીને અસલી એનસીપી ગણાવી હતી. આ મામલે શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાનું છે.