પાપુઆ ન્યુ ગિની: આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 64 લોકોના મોત
પોર્ટ મોરેસ્બીઃ પાપુઆ ન્યુ ગિનીના ઉચ્ચ પ્રદેશોમાં આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાએ સોમવારે આ માહિતી આપી હતી. સ્થાનિક અખબાર પોસ્ટ-કુરિયરના જણાવ્યા અનુસાર, એન્ગા પ્રાંતના વેપેનામાન્ડામાં પોલીસે પુષ્ટિ કરી છે કે, સવારે લડાઈ શરૂ થઈ ત્યારથી આ વિસ્તારમાં રસ્તાઓ, ઘાસના મેદાનો અને ટેકરીઓમાંથી 64 મૃતદેહો મળી આવ્યા છે.
અખબારના અહેવાલ અનુસાર, સુરક્ષા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક મૃતદેહો હજુ પણ ઝાડીઓમાં છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, આદિવાસી લડાઈમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા છે અને ઝાડીમાં વધુ લોકોના મોત થઈ શકે છે. રોયલ પાપુઆ ન્યુ ગીની કોન્સ્ટેબલરીના કાર્યકારી સુપ્રિટેન્ડેન્ટ જ્યોર્જ કાકાસએ જણાવ્યું હતું કે, મેં એન્ગામાં જોયેલી આ સૌથી મોટો હત્યાકાંડ છે.
મીડિયા અહેવાલ મુજબ, એવી અટકળો છે કે આદિવાસી લડાઈમાં જનજાતિઓ જ સામેલ છે, જેણે 2023 માં 60 થી વધુ લોકો માર્યા હતા. એન્ગા પ્રાંત, જે વધતી જતી આદિવાસી લડાઈનો સામનો કરી રહ્યો છે, તેને 2023 માં ઘણા મહિનાઓ માટે લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યો હતો.