પાગલપણું: સનકી હત્યારાએ પિતા-દાદા સહીત પરિવારના 12 લોકોને ગોળી મારી ઉતાર્યા મોતને ઘાટ
તહેરાન : એક સનસનાટીપૂર્ણ ઘટના દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને પરિવારજનો પર હુમલો કરી દીધો. આના પહેલા કે કોઈ કંઈ સમજે, તેણે પોતાની પાસેથી બંદૂક કાઢી અને એક પછી એક ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. ઈરાનના રહેવાસી આ યુવકે પોતાના પિતા અને દાદા સહીત પરિવારના કુલ 12 સભ્યોની હત્યા કરી દીધી. ઈરાનના ન્યાયિક વિભાગના એક અધિકારીએ આ હત્યાઓની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રો પ્રમાણે, પારિવારીક અશાંતિને કારણે શખ્સે પરિવારના લગભગ તમામ સદસ્યોને મોતને ઘાટ ઉતારી દીધા.
રોયટર્સના રિપોર્ટ મુજબ, આ ઘટના શનિવારે દક્ષિણ-પૂર્વ ઈરાનના એક અંતરિયાળ ગ્રાણી વિસ્તારમાં બની છે. 30 વર્ષીય આરોપીને બાદમાં પોલીસે ઠાર કર્યો હતો. સ્થાનિક પોલીસ અને પ્રશાસને અત્યાર સુધી તો હુમલાખોરની ઓળખ ઉજાગર કરી નથી. ઈરાનના કરમાન પ્રાંતમાં કોર્ટના પ્રમુખ ઈબ્રાહીમ હામિદીએ સ્થાનિક મીડિયાને જણાવ્યુ છે કે હુમલાખોરનો પરિવાર ઘણાં દિવસોથી પરેશાનીમાં હતો. શનિવારે આ પરેશાની વધી ગઈ, ત્યારે આરોપીએ ગુસ્સામાં પિતા-દાદા સહીત પરિવારના 12 સભ્યોને ગોળી મારી દીધી.
માહિતી મળ્યા બાદ કરમાન પ્રાંતની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્રો મુજબ, જ્યારે પોલીસ ગામમાં ગઈ તો આરોપીના હાથમાં બંદૂક હતી. તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસ વારંવાર તેને સરન્ડર કરવા માટે કહેતી રહી. પરંતુ યુવક આત્મસમર્પણ માટે તૈયાર ન હતો. તેણે પોલીસ પર ફાયરિંગ કરીને ભાગવાની કોશિશ કરી. ત્યારે પોલીસે તેના પર વળતો ગોળીબાર કર્યો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું.