બેટ દ્વારકાના સમુદ્ર પરના સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રખાશે, PM રવિવારે લોકાર્પણ કરશે
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. જેમાં પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બેટ દ્વારકા ખાતે નવનિર્મિત સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રીકૃષ્ણની ભૂમિ એવા બેટ દ્વારકા-ઓખા વચ્ચેના સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે. સોશિયલ મીડિયામાં પણ સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ કરી હતી. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ 978.93 ખર્ચે બનેલા બ્રિજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લીધે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરીયાઈ તથા જમીન માર્ગની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. દ્વારકામાં ખોડીયાર ચેકપોસ્ટ, રૂપેણ બંદર ચેકપોસ્ટ, મીઠાપુર હાઈવે ચેકપોસ્ટ તથા લીંબડી દ્વારકા માર્ગની ચેકપોસ્ટ ઉપર જડબેસલાક બંદોબસ્ત અને ચેકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ખાનગી વાહનો તથા શંકાસ્પદ વાહનો તથા વ્યકિતઓની ચકાસણી થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંલગ્નતા કરી હોટલ એસો. પણ પૂરતો સહયોગ આપી રહયુ છે. અધિકારીગણ માટે ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય છેલ્લા એક અઠવાડિયાથી દ્વારકા તથા બેટ દ્વારકા મુકામ કરી તમામ સુરક્ષા વ્યવથાનું અવલોકન તથા સંકલન કરી રહયા છે.