અમદાવાદઃ શહેરના સીમાડા વિસ્તારના વિકાસ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વર્ષ 2024-25નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં 80.46 કરોડની પુરાંત સાથે 1705.42 કરોડના બજેટમાં વિકાસના અનેક કામોનો સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદ-કલોલને જોડતા રોડને સિક્સલેનનો બનાવવા ઉપરાતં શેલા-મણિપુર સંસ્કારધામ રોડને વીઆઈપી રોડ બનાવવા તથા શહેરની આસપારના 55 ગામોને પીવાના પાણીની સુવિધા, ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ, લાયબ્રેરીઓ સહિના કરોડો રૂપિયાના વિકાસના કામોની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવા 1624.96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ અમદાવાદ-કલોલને જોડતો 7.28 રોડને સિક્સ લેન બનાવાશે. તેમજ શેલા ઓડિટોરિયમથી મણીપુર-સંસ્કારધામ સુધીના 3.25 કિલોમીટરના માર્ગે VIP રોડ તરીકે વિકસાવવામાં આવશે. ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસ માટે બજેટમાં 100 કરોડ ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત જળ જીવન મિશન અંતર્ગત તેલાવ, જાસપુર આસપાસના કુલ 55 ગામ માટે પીવાના પાણીની જાહેરાત કરવામાં આવી હતી. ઘુમા, સિંગરવા, શેલા, સનાથલ, મકરબા આસપાસના વિસ્તારમાં પણ વોટર સપ્લાયના કામો અંગે જાહેરાત કરવામાં આવી છે.
ઔડાના CEO ડી.પી. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જે બ્રિજ અને અંડરપાસ બનાવવાની જાહેરાત કરાઈ હતી. તેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચાલુ વર્ષથી આ કામગીરી શરૂ થઈ જશે. ઔડા ભવન બનાવવા તેમજ વિવિધ વિકાસના કાર્યો માટે પ્લોટનું વેચાણ કરીને આવક ઊભી કરાશે. ઉત્તર ગુજરાત તરફના ટ્રાફિકને દૂર કરવા માટે SP રિંગ રોડ પર સરદારધામ બાજુમાંથી અમદાવાદ-કલોલને જોડતો 7.28 કિલોમીટર રોડને સિક્સ લેન બનાવાશે. તેમજ શેલા ઓડિટોરિયમથી મણીપુર-સંસ્કારધામ સુધીના 3.25 કિલોમીટર સુધીના રોડને પણ VIP રોડ તરીકે વિકસાવવામાં આવશે. ધોળકા અને ઘોડાસર બ્રાન્ચ કેનાલના વિકાસ 49 કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રદૂષણમાં ઘટાડો કરવા અને સ્વસ્થ વાતાવરણ ઊભું કરવા 5 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. ઔડાની હદના વિસ્તારમાં પાણી, ગટર, સ્ટ્રોમ વોટર લાઈન, રોડ વગેરેનો એક જ પ્રકારનો ફીઝીક્લ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા 5 કરોડની જોગવાઈ કરી છે.