અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનને સૂર્ય મંદિરની થીમ પર 4000 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરાશે,
અમદાવાદઃ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. કાળુપુરના સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે. કાલે તા. 26 ફેબ્રુઆરીને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરાશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે.
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ જનરલ મેનેજર અર્પણ અવસ્થીએ કાળુપુરના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે, જેનો પ્લાન પણ નક્કી કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ બે મહિનાથી સર્વે અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર એક એલિવેટેડ રોડ નેટવર્ક કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવાશે. વર્ષો બાદના ટ્રફિકને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે.
કાળુપુર રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે. કુલ 16 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. બે બેઝમેન્ટ બનશે. પહેલા છ માળમાં પાર્કિંગ બનશે. એની પર 4થી 5 માળમાં રેલવેની ઓફિસો બનાવવામાં આવશે. જ્યારે એની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધાઓ હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય એવું આયોજન કરાયું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે, જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈ સર્વે પ્રી-કન્સ્ટ્રક્શન અને રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના મુખ્ય રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં દિલ્હી અને અમદાવાદનાં રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કાલુપુર રેલવે સ્ટેશનનો 2390 કરોડનો આ પ્રોજેક્ટ છે. સ્ટેશનની આ ડિઝાઇન હેરિટેજ સ્થળને ધ્યાનમાં રાખીને એ જળવાઈ રહે એ પ્રકારે બનાવાઈ છે. કોન કોર્સ એરિયા ડિઝાઇન કરીને બનાવાયો છે. કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત અને મુશ્કેલી એ છે કે ગુજરાતનું મોટું અને વ્યસ્ત અમદાવાદ રેલવે સ્ટેશન છે, જેમાં રેલવે વ્યવહાર પણ શરૂ રાખવાનો છે અને કામ પણ કરવાનું છે. તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. કેટલાક પ્લેટફોર્મ બંધ કરીને ટ્રેન ડાઇવર્ટ કરીને કામ કરવામાં આવશે. કેટલીક ઓફિસો ખસેડીને કામ કરવામાં આવશે. મુસાફરોને ખાસ હાલાકી ન પડે એ ધ્યાન રાખાશે.