અમદાવાદમાં પાનની પિચકારી મારી ગંદકી ફેલાવનારા વધુ 104 લોકો પાસેથી 10,950નો દંડ વસુલાયો
અમદાવાદઃ શહેરના જાહેર રોડ પર પાન કે મસાલાની પિચકારી મારીને અથવા થુંકીને ગંદકી ફેલાવનારાઓ માટે છેલ્લા કેટલાય દિવસથી મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શનિવારે જાહેરમાં પાન-મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝૂંબેશના ભાગરૂપે 104 લોકો પાસેથી 10,950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં હજુ પણ આ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે ટ્રાફિક જંક્શન અને BRTS કોરીડોરની ગ્રીલ્સ અને ડિવાઈડરોની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે છે. જો કે ટૂંકાગાળામાં પગપાળા જતા રાહદારીઓ તેમજ વાહન પર જતાં લોકો પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી ફેલાવતા હોય છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે મ્યુનિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવાની ઝૂંબેશ છેલ્લા 23માં દિવસે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકિંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.
એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે શહેરના 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે, પૂર્વ ઝોન રખીયાલ રોડ, ગોમતીપુર/સત્યમનગર શાક માર્કેટ, અમરાઈવાડી/ બી.આર.ટી.એસ.રોડ, ભાઇપુરા/ પન્ના એસ્ટેટ રોડ, વિરાટનગર/ રિંગ રોડ ઓઢવ/ રિંગ રોડ વસ્ત્રાલ/ ન્યુમણીનગર રામોલ/ કઠવાડા નિકોલ પશ્ચિમ ઝોનમાં મલાવ તળાવ,રામજી મંદિર રોડ,સરસ્વતી નગર,રાણીપ, પાલડી ચાર રસ્તા, ઉત્તર ઝોનમાં નાના ચિલોડા રોડ, નરોડા બજાર, નરોડા., મેમ્કો ચાર રસ્તા, ગંગાનગર રોડ, શ્યામશિખર ચાર રસ્તા, બાપા સીતારામ ચોક, બાપુનગર ચાર રસ્તા બાપુનગર, પોટલિયા ચાર રસ્તા, દક્ષિણ ઝોનમાં મીરા ચાર રસ્તા, જમાલપુર શાક માર્કેટ રોડ, મજુર ગામ, સુરલીયા મહાદેવ રોડ, પી.ડી પડયા રોડ, ભારતમાતા સોસા રોડ, કાશી રામ બી.આર.ટી.એસ રોડ, ઈસનપુર ચોકડી, મોની હોટલ,હાટકેશ્વર સર્કલ તેમજ મધ્યઝોનમાં ઘાંચીની ચાલી રોડ,દરિયાપુર અને ઉત્તર પશ્વિમ ઝોનમાં સિલ્વર સ્ટાર સબ ઝોનલ ઓફિસ ચાંદલોડિયા, કડિયા નાકા ઘાટલોડીયા, ભાઈકાકા નગર રોડ થલતેજ, બોપલ કડિયા નાકા બોડકદેવ તથા દક્ષિણ પશ્વિમ ઝોનમાં જોધપુર – રિધ્ધિ સિધ્ધિ શાક માર્કેટ, ઇસ્કોન ચાર રસ્તા, વેજલપુર, સરખેજ -ઉજાલા સર્કલ,સરખેજ રોઝા, મકતમપુરા – સોનલ સિનેમા ચાર રસ્તાનો સમાવેશ થાય છે. પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 104 ઇસમો પાસેથી રૂપિયા 10950/- નો દંડ વસુલવામાં આવ્યો હતો