તેલ અવીવ: વોશિંગ્ટન ખાતે ઈઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક સૈનિકે ખુદને આગ લગાવી દીધી હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે હું ગાઝામાં થઈ રહેલા નરસંહારનો હિસ્સો બનીશ નહીં. પેલેસ્ટાઈનને આઝાદ કરવું જોઈએ. ફ્રી પેલેસ્ટાઈન. તેણે જણાવ્યું કે તે અમેરિકાની એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મવિલોપન કરી રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા અત્યાચારને સહન કરી શકતો નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આત્મવિલોપનના પ્રયાસ બાદ તાત્કાલિક ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી. જો કે આ શખ્સ ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેની સ્થિતિ ગંભીર છે. રિપોર્ટ પ્રમાણે, શખ્સ જ્યારે આત્મવિલોપન કરવા માટે દૂતાવાસની સામે પહોંચ્યો, તો ત્યાં રહેલા સુરક્ષાદળોએ તેની સાથે વાતચીતની કોશિશ કરી હતી. સુરક્ષાદળોએ પુછયું હતું કે તેઓ કોઈપણ પ્રકારની મદદ કરી શકે છે. તેટલામાં જ તેણે ખુદને આગ લગાવી લીધી.
શખ્સે આત્મવિલોપન કરતા ખુદનો વીડિયો પણ બનાવ્યો, જેને બાદમાં સોશયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સનું કહેવું છે કે તેણે ટ્વીચ નામના સોશયલ મીડિયા એકાઉન્ટર પરથી આત્મવિલોપનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તે વાસ્તવમાં સૈનિક હતો અથવા નહીં. જો હતો તે હાલ પણ સેવામાં છે અથવા તો પછી રિટાયર થઈ ચુક્યો છે.
મહત્વપૂર્ણ છે કે આમ તો અમેરિકા ગાઝામાં યુદ્ધવિરામની તરફદારી કરે છે. પરંતુ 20 ફેબ્રુઆરીએ યુએનએસસીની બેઠકમાં તેણે ગાઝામાં તાત્કાલિક સીઝફાયરના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. અમેરિકાએ ત્રીજીવાર પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે તાત્કાલિક સીઝફાયરના પ્રસ્તાવને મંજૂરી મળવાથી અમેરિકા, ઈજીપ્ત અને ઈઝરાયલ, કતરની વચ્ચે પેલેસ્ટાઈનની સુરક્ષાને લઈને ચાલી રહેલી વાતચીત ખોરંભાશે. તેવામાં બંધકો પર પણ ખતરો ઝળુંબે છે. પહેલા હમાસની સાથે શાંતિ માટેની વાતચીત થવી જોઈએ.