ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યાં રાજ્યભરના આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ પોતાની પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી છે. અધિકારીઓએ આરટીઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હવે 29મી ફેબ્રુઆરીએ ટેક્નિકલ અધિકારીઓ કચેરી શરૂ થયાના સમય પહેલાં અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારબાદ 1લી માર્ચના ટેક્નિકલ આરટીઓ અધિકારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરશે. 4થી માર્ચના રોજ તમામ અધિકારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈ વિરોધપ્રદર્શન કરશે. સરકાર સામે એટલો વિરોધ કર્યા બાદ પણ સરકારના પેટનું પાણી નહીં હલે તો 11 માર્ચના રોજ સ્વયંભૂ માસ સીએલ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા અપાયેલા વિરોધના કાર્યક્રમ મુજબ સોમવારે તમામ આરટીઓ કચેરીઓની બહાર ટેક્નિકલ આરટીઓ અધિકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કેટલાક આરટીઓ અધિકારીઓના પ્રોબેશન પિરિયડનાં 3થી 10 વર્ષ પૂર્ણ થયાં હોવા છતાં પણ હુકમ ન કરતાં આ પ્રકારના 38 અધિકારીના હુકમ કરાવવાની માગ કરવામાં આવી છે. મોટર વાહન ખાતામાં ઇન્સ્પેક્ટરોને વાહન ચેકિંગની ફરજમાં અગવડતા પડતી હોય એનું નિરાકરણ લાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ટ્રેકની ટેસ્ટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આવી સમસ્યાઓમાં ફરિયાદ કરવામાં આવે તો સુવિધાના અભાવે આરટીઓ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ અંગે આરટીઓના ટેક્નિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાની માગ સ્વીકારવા કહ્યું હતું, પરંતુ તેમની માગને હકારાત્મક પ્રતિસાદ ન મળતાં આરટીઓના ટેક્નિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી હુકમ આપવા સહિત અન્ય 19 પડતર માગણીઓને પૂર્ણ કરવા માટે ગાંધીનગર ખાતે એસીએસને પણ રજૂઆત કરવામાં આવી હતી. એ દરમિયાન તેમનો હકારાત્મક અભિગમ મળ્યો હતો, પરંતુ મોટા ભાગના પ્રશ્નો પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી હેઠળ આવતા હોવાથી સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો નથી. રાજ્યભરમાંથી 700થી વધુ ટેક્નિકલ અને બિન-ટેક્નિકલ અધિકારીઓ સહિત 1200 ક્લાર્ક અને ડિપાર્ટમેન્ટના અધિકારી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, અમદાવાદમાં ત્રણ આરટીઓ કચેરી આવેલી છે તમામ કર્મચારીઓ મળીને એટલે કે 400થી 500 લોકો આ વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા,