ગુજરાતઃ અભિલેખાગારની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજીટાઇઝ કરાયા
અમદાવાદઃ ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી સાથે ગુજરાત રાજ્ય અભિલેખાગાર દ્વારા પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ માટે એમ.ઓ.યુ થયા છે. જેમાં 19 વિદ્યાર્થી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તે પ્રત્યેક વિદ્યાર્થીઓને તાલીમમાં રૂ.12 હજાર લેખે સ્ટાઈપન્ડ ચુકવવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં અભિલેખાગારની 6 કચેરીઓ આવેલી છે. જે પૈકીની મોટાભાગની કચેરીઓના રેકોર્ડ ડિજીટાઇઝ કરી દેવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે તેમાં સ્કીલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ડિજીટલ ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે અભિલેખાગારમાં પી.જી ડિપ્લોમા ઇન આર્કાઇવ્ઝ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી વિદ્યાર્થીઓને ભણતર સાથે રોજગારી પણ પ્રાપ્ત થાય તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે.