ચોટિલામાં હાઈવે પર હોટલો અને દુકાનદારો દ્વારા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે. હાઈવેને સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. હાઈવેની બન્ને સાઈડ પર હોટલો અને દુકાનદારોએ દબાણો કરેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ચોટિલામાં આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
ચોટિલામાં હાઈવે પર હોટલો અને દુકાનદારોએ વર્ષોથી દબાણો કરેલા છે. દુકાનો અને હોટલ આગળ શેડ પણ કાઢેલા છે. બીજીબાજુ હાઈવેને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા હાઈવે પરના દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવે પર બોર્ડ, હોર્ડિંગ, શેડ, છાપરા સહિતના દબાણો દૂર કરાયા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓ સાથે અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોય ધંધાર્થીઓએ રોષ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા, છતાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ અંગે ચોટીલા વેપારીઓએ જણાવ્યું હતું કે, ચોટીલા હાઈવે પર દબાણો હટાવવાની તંત્ર દ્વારા સૂચના અપાયા બાદ વેપારીઓએ સ્વૈચ્છાએ દબાણ દૂર કર્યા હતા. છતાં તંત્ર દ્વારા નાના દુકાનદારો સામે વ્હાલા દવાલાની નીતિ રાખી નુકશાન કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલાંક દબાણકર્તાઓને માત્ર સૂચના આપી દબાણ હટાવવાનો સમય આપવામાં આવ્યો હતો.