રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર પૂરફાટ ઝડપે કારચાલક યુવાને કાર પરનો કાબૂ ગુમાવતા મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને અડફેટે લઈને 15 ફૂટ સુધી ઢસડયા હતા, ત્યારબાદ કાર ફુટપાથ કૂદીને દુકાનના પગથિયે બેસેલી યુવતીને હડફેટે લઈ દુકાન સાથે અથડાઈ હતી.. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ગંભીરરીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આઘેડનું મોત નીપજ્યું હતું. યુવતીને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર ત્રિશૂલ ચોક પાસે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કારચાલકે ડાબી તરફથી અચાનક કારનું સ્ટીયરિંગ જમણી તરફ ફેરવી નાખ્યું હતું. જેને લીધે મોર્નિંગ વોકમાં નીકળેલા 50 વર્ષીય નલીનભાઈ નરોતમભાઈ સિદ્ધપુરાને હડફેટે લઈ લગભગ 15 ફૂટ સુધી ઢસડ્યા હતા. ત્યારબાદ ચોકમાં દુકાન પાસે બેસેલી 18 વર્ષીય વિદ્યાર્થિની કુમકુમ મહેશભાઈ કાનાણીને પણ કારચાલક હડફેટે લીધી હતી. જે બાદ કાર દુકાન સાથે ધડાકા સાથે અથડાઇ તુરંત રિવર્સ જતી રહી હતી. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કારચાલક કાર મુકીને નાસી ગયો હતો. લોકોએ ગંભીરરીતે ધવાયેલા આઘેડ વ્યક્તિને 108 બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં આઘેડ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતને નિહાળનારા લોકોના કહેવા મુજબ , પૂરઝડપે આવેલી કાર અચાનક ડાબી તરફ વળે છે અને રોડની સાઈડમાં પાર્ક કરેલા એક્ટિવાને હડફેટે લઈ રોડ પરથી પસાર થતા આધેડને ઉડાવે છે. જે બાદ કાર રોકાવાને બદલે આગળ વધી દુકાનના પગથિયે બેસેલી 3 યુવતિ તરફ જાય છે. જેમાં બે યુવતિઓ ઝડપથી ખસી જતા એક યુવતિ કારની ઝપેટમાં આવી જાય છે, જે કાર અને દુકાનના શટર વચ્ચે દબાઈ જાય છે. જોકે, યુવતીને હડફેટે લીધા બાદ કાર તુરંત પાછળ ધસી જાય છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.