મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે માઓવાદીઓ સાથે કથિત સંબંધના મામલામાં દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી. એન. સાઈબાબા અને અન્ય પાંચને બરી કરી દીધા છે.
ગઢચિરૌલી કોર્ટે 2017માં સાઈબાબા અને અન્યને દોષિત ઠેરવ્યા હતા. તેના પછી આ તમામ જેલમાં બંધ છે. આ 6 લોકોમાંથી એક પાંડુ નરોટેનું મૃત્યુ થઈ ચુક્યું છે.
સાઈબાબા હાલ જેલમાં બંધ છે. તેમને મે-2014માં નક્સલીઓ સાથેના કથિત સંબંધના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ધરપકડ પહેલા વ્હીલચેરથી ચાલનારા પ્રોફેસર સાઈબાબા દિલ્હી યુનિવર્સિટીની રામલાલ આનંદ કોલેજમાં અંગ્રેજી ભણાવતા હતા.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી હેમ મિશ્રાની ધરપકડ બાદ સાઈબાબા પર સકંજો કસાયો હતો. હેમ મિશ્રાએ તપાસ એજન્સીઓની સમક્ષ દાવો કર્યો હતો કે તે છત્તીસગઢના અબુજમાડના જંગલોમાં છૂપાયેલા નક્સલીઓ અને પ્રોફેસરની વચ્ચે એક કુરિયર તરીકે કામ કરી રહ્યા હતા.
જી. એન. સાઈબાબા શારીરિક રીતે 90 ટકા અક્ષમ છે. તેમને ગેરકાયદેસર ગતિવિધિ રોકથામ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલામાં અન્ય પાંચને પણ સજા અપાય હતી.
આંધ્રપ્રદેશના ગરીબ પરિવારમાં પેદા થયેલા જી. એન. સાઈબાબા શારીરિક રીતે 90 ટકા અક્ષમ છે. 2003માં દિલ્હી આવતા પહેલા તેમની પાસે વ્હીલચેરય ખરીદવાના પણ પૈસા ન હતા. પરંતુ અભ્યાસમાં હંમેશા તેઓ ઘણાં તેજ હતા. સાઈબાબા 9 મે, 2014ના રોજ એરેસ્ટ થતા પહેલા રામલાલ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. તેમના લવમેરેજ થયા હતા. તેમની મુલાકાત તેમની પત્ની વસંત સાથે એક કોચિંગ ક્લાસમાં થઈ હતી.
અખિલ ભારતીય પીપલ્સ રેજિસ્ટન્સ ફોરમના એક કાર્યકર્તા તરીકે તેમણે કાશ્મીર અને ઉત્તરપૂર્વમાં મુક્તિ આંદોલનના સમર્થનમાં અને દલિત-આદિવાસીઓના અધિકાર માટે પ્રચાર કરવા માટે 2 લાખ કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો હતો.
સાઈબાબા પર શહેરમાં રહીને માઓવાદીઓ માટે કામ કરવાનો આરોપ છે. ક્રાંતિકારી ડેમોક્રેટિક ફ્રન્ટ માઓવાદીઓનું જૂથ છે. આના પર જૂથના સદસ્ય હોવાનો આરોપ હતો. જો કે ખુદ તેમણે હંમેશા માઓવાદીઓને સાથ આપવાના આરોપોને રદિયો આપ્યો છે.