MP પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્રના રિસોર્ટ પર દરોડો પડયો, 2 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો
ગ્વાલિયર: ભોપાલથી એક ટીમ સોમવારે સવારે ગ્વાલિયર પહોંચી હતી. તેનું મિશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ભોપાલથી પહોંચી ટીમમાં ગ્વાલિયર જીએસટી અધિકારીઓને પણ બોલાવાયા અને તેમને ટાસ્ક જણાવ્યા વગર પોતાની ગાડીઓમાં બેસાડીને સીધા નેશનલ હાઈવે પર આવેલા સૌથી ભવ્ય, વિશાળ અને મોટા ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ પર પહોંચ્યા. ટીમના લોકો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા, કારણ કે રિસોર્ટ્સની બહાર કડક ખાનગી સુરક્ષા વ્યવસ્થા રહે છે. અંદર પહોંચીને તેમણે પોલીસ અધિકારીઓને પણ જાણકારી આપી, તો સિરોલ પોલીસ સ્ટેશનની ફોર્સ ત્યાં પહોંચી. અહીં શરૂ થયેલી કાર્યવાહી મોડી રાત્રિ સુધી ચાલુ રહી હતી. જ્યારે એક ટીમ હજીપણ રિસોર્ટ્સની અંદર હોવાનું જણાવાય રહ્યું છે.
જણાવાય રહ્યું છે કે આ રિસોર્ટ્સ શહેરના મુખ્ય બિલ્ડર રોહિત વાધવા અને અંશુમન મિશ્રાનું છે. અંશુમન મિશ્રા મધ્યપ્રદેશ ભાજપના કદ્દાવર નેતા અને શિવરાજસિંહ ચૌહાને મંત્રીમંડળમાં ગૃહ મંત્રી રહી ચુકેલા ડૉ. નરોત્તમ મિશ્રાના પુત્ર છે. જણાવવામાં આવે છે કે જીએસટી ટીમે તપાસ દરમિયાન બંને ડાયરેક્ટર્સને પણ બોલાવ્યા હતા. જો કે હજી સુધી આની પુષ્ટિ થઈ નથી. સૂત્રોનું માનીએ, તો જીએસટી ટીમ પહેલાથી જ ઘણું હોમવર્ક કરીને આવી હતી, માટે તેણે પ્રાથમિક તપાસ બાદ જ લગભગ દોઢથી બે કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી લીધી.
ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ ગ્વાલિયરથી નીકળનારા દિલ્હી નેશનલ હાઈવે પર નૈનાગિર ગામની નજીક ઝાંસી બાઈપાસ પર આવેલું છે. સિરોલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલુા આ રિસોર્ટ્સ ઘણાં એકરમાં ફેલાયેલું છે. તેમાં અનેક મેરેજ હોલ સિવાય ભવ્ય રેસ્ટોરન્ટ્સ અને આલીશાન કક્ષ છે. અહીં ધનવાન લોકોના લગ્નો સિવાય ભાજપ સંગઠનના પણ અનેક આયોજન થઈ રહ્યા છે.