રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં જસદણના બાખલવડ ગામ નજીક રાજકોટ રોડ પર વધુ એક અકસ્માતે ત્રણનો ભોગ લીધો હતો. પૂરફાટ ઝડપે વેલી અલ્ટોકારે બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર 30 વર્ષિય યુવાન અજય સદાસિયા અને તેમની બે ભાણેજ કિંજલ (ઉ.વ.8) અને માહી (ઉ.વ.4) રોડ પર પટકાયા હતા. અજય અને માહીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે કિંજલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ કારચાલક કાર છોડીને નાસી ગયો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, જસદણના બાખલવડ ગામ પાસે રાજકોટ રોડ પર બાઈક પર અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) જઈ રહ્યા હતા ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતાં મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં, જેમાં અજયભાઈ અને માહીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં જ અજયભાઈનાં અને તેની બે ભાણેજનાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ઘટનાસ્થળે બેનાં મોત જોતાં જ કલ્પાંત કર્યો હતો, જ્યારે ડચકા ભરી રહેલી કિંજલને 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં પણ પરિવારજનો અને સગાં-સંબંધીઓ દોડી ગયાં હતાં. આખી રાત જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી કિંજલે અંતે સવારે અંતિમ શ્વાસ લેતાં પરિવારજનો ગમગીન બની ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને મૃતકોના મૃતદેહોને પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પીએમ બાદ ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપાશે. હાલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.