અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવાશે, ડોર ટુ ડોર કચરો લેવા માટે GPS સાથે નવા વાહનો ફાળવાશે,
અમદાવાદઃ શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેમાં શહેરભરમાંથી કચરો એકઠો કરીને તેના નિકાલનું કામ અધરૂ છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર કચરો લેવામાં આવે છે. શહેરને ઝીરો વેસ્ટસિટી બનાવવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જુના વાહનોની જગ્યાએ હવે જીપીએસ સિસ્ટમ સાથેના નવા અધ્યતન ટેકનોલોજીવાળા વાહનો મારફતે દરેક સોસાયટીઓ અને ફ્લેટમાંથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાંથી દરરોજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે ત્યારે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ડોર ટુ ડોર કચરો ચાર પ્રકારે એકત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુના વાહનોની જગ્યાએ હવે જીપીએસ સિસ્ટમ સાથેના નવા અધ્યતન ટેકનોલોજીવાળા વાહનો મારફતે દરેક સોસાયટીઓ અને ફ્લેટમાંથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવશે. વર્ષ 2017થી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટની મુદ્દત પૂર્ણ થતા હવે જુના વાહનોની જગ્યાએ નવા અધ્યતન ટેકનોલોજી અને જીપીએસ સિસ્ટમ સાથેના નવા વાહનોનો ઉપયોગ કરી અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સુકો અને ભીનો એમ બે પ્રકારે કચરો અલગ લેવામાં આવતો હતો. હવે બેની જગ્યાએ ચાર પ્રકારના કચરા અલગ એકત્રિત કરવામાં આવશે, જેમાં સુકો અને ભીનો ઘરેલુ તેમજ સેનેટરી વેસ્ટ અલગથી લેવામાં આવશે. દરેક સોસાયટીઓ અને ફ્લેટોના ઘરોની સંખ્યા સાથે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટેની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. 1100ની જગ્યાએ હવે 1450 જેટલા ડોર ટુ ડોર વાહનો મારફતે કચરો એકત્રિત કરવામાં આવશે.
એએમસીના સોલીડ વેસ્ટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ દરેક નાગરિકોએ સુકો અને ભીનો કચરો અલગ આપવામાં આવે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાન્ટમાં યોગ્ય રીતે વ્યવસ્થા જળવાઈ રહે. આ ઉપરાંત જે સાંકડી ગલી કે મોહલ્લામાં ડોર ટુ ડોરની ગાડી ન થઈ શકે ત્યાં મેનપાવર મારફતે કચરો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે. સુરતની જેમ અમદાવાદમાં પણ ડોર ટુ ડોર અને આરટીએસ સ્ટેશન બંનેની સંયુક્ત કામગીરી સોંપવામાં આવી છે, તેમ અમદાવાદમાં પણ કામગીરી કરાશે. ધાર્મિક સ્થળોએથી અલગથી ધાર્મિક વેસ્ટ ઉપાડવા માટે વાહન મોકલી તેને એકત્રિત કર્યા બાદ પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે.