ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડના બનાવમાં બેની ધરપકડ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાની સહિત વિદેશના વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂંસીને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરીને મારમાર્યો હતો. ઉપરાંત પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ મામલે દિલ્હીમાં નોંધ લેવાતા અને તોફાની તત્વો સામે કડક પગલાં લેવાનો આદેશ અપાતા પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલ દોડી જઈ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા હતા. પોલીસે ટોળાં સામે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે નવ ટીમો બનાવી છે. ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે. બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી છે. કે, ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. રાતના સમયે ભગવા ખેસ સાથે 15થી 20 લોકોના ટોળાંએ હોસ્ટેલમાં ઘૂસીને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરીને મારામારી કરી હતી. હોસ્ટેલમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનોને પણ નુકશાન કરીને પથ્થરમારો કરી હોસ્ટેલને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ. આ બનાવની જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. પણ તે પહેલા ટોળું નાસી ગયું હતુ. આ બનાવનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો. અને છેક દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં નોંધ લેવાતા અને તોફાની લોકો સામે કડક પગલાં લેવાના આદેશ અપાતા જ અમદાવાદ શહેર પોલીસે આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી છે.
આ બનાવમાં શહેર પોલીસે 7 આરોપીની ઓળખ કરી લીધી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે. બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. આ અંગે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે કહ્યુ હતું કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે A બ્લોકમાં તોડફોડ તથા મારામારી મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.જે મામલે કુલ નવ ટીમ તપાસ કરી રહી છે. ટીમે તપાસના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. A બ્લોક બહાર એક PSI સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દેવાયો છે.