સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, ગમગુવાર સહિત પાકોમાં ઓછુ વાવેતર જોવા મળી રહ્યુ છે. ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણીથી કેટલોક વિસ્તાર હરિયાળો બન્યો છે. જો કે કેટલાક વિસ્તારોમાં હજુ નર્મદા કેનાલનો લાભ મળ્યો નથી. ઉપરાંત કેનાલના પાણીની અનિયમિતતાથી ખેડુતો પરેશાની ભાગવી રહ્યા છે. જિલ્લામાં એવરેજ 14840 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના મધ્યે થઇ જતુ હોય છે.આ વર્ષ માર્ચ મહિનો અડધો વિત્યો પણ વાવતેર 5136 હેક્ટરમાં જ થયુ છે. એટલે કે, ગત વર્ષની સરખામણી કરીએ તો ગત વર્ષ માર્ચના મધ્યે 12547 હેક્ટરમાં વાવેતર થયુ હતુ.આમ અત્યાર સુધીમાં 7411 હેક્ટરમાં ઓછુ વાવેતર થયુ છે. આ વર્ષમાં સૌથી વધુ ઉનાળું વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં થયુ છે. જ્યારે સૌથી ઓછુ વાવેતર ચોટીલા તાલુકામાં થયુ છે. જેમાં મુખ્યપાકો જેવા તલ, શાકભાજીના વાવેતરમાં ઘટાડો થયો છે.
જ્યારે બાજરી, મગ, મગફળીના વાવેતરમાં વધારો થયો છે.જ્યારે પરંપરાગતથી હટકે ડાંગર પાકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વધારો થયો છે. જો કે જિલ્લા ખેતીવાડી અધિકારીના કહેવા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરની શરૂઆત થઇ છે. ઉનાળુ પાકના વાવેતરના હજુ શરૂઆતી આંકડાઓ આવ્યા છે. હજુ વાવેતર વધશે તેમ આંકડાકીય વધારો પણ જોવા મળશે.