ભારતીય પેટન્ટ કાર્યાલયે એક વર્ષમાં એક લાખ કરતાં વધારે પેટન્ટ પ્રદાન કરી
નવી દિલ્હીઃ ભારતીય પેટન્ટ કાર્યાલયે પાછલા છેલ્લા એક વર્ષમાં એક લાખ કરતાં વધારે પેટન્ટ પ્રદાન કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ કાર્યાલય મંત્રાલયને અનુસાર એક વર્ષની અંદર અભૂતપૂર્વ એક લાખ પેટન્ટ પ્રદાન કરવામાં આવી છે. 15 માર્ચ 2023થી 14 માર્ચ 2024 સુધી દેશમાં 1,01,311 પેટન્ટ આપવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું કે, આ દરમિયાન પ્રત્યેક કાર્ય દિવસે 250 પેટન્ટ આપવામાં આવી છે. તો બીજી તરફ જીઆઈ રજીસ્ટ્રેશનમાં પણ ત્રણ ગણો વધારો નોંધાયો છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી જણાવ્યું હતું કે બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાના સરકારના પગલાંને કારણે આ પરિણામો પ્રાપ્ત થયા છે.
હાલ ભારતમાં વર્ષ 2023-24માં 98 નવા રજીસ્ટ્રેશન સાથે 573 રજીસ્ટર્ડ જીઆઈ છે. તો બીજી તરફ કોપીરાઈટ રજીસ્ટ્રેશન પણ રેકોર્ડતોડ 36,378 પર પહોંચ્યું છે. જેમાં ડિઝાઈનના ક્ષેત્રમાં હાલનાં નાણાકીય વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા છે.
આ સમયગાળા દરમિયાન ભૌગોલિક સંકેત (GI) નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ ગણો છે.મંત્રાલયે જણાવ્યું હતું કે પેટન્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે પેટન્ટ નિયમો, 2024માં ઘણી જોગવાઈઓ કરી છે.