અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. જેમાં ધારાસભ્યો, અધિકારીઓ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફેક આઈડી બનાવીને તેમના નામે રૂપિયા ઉધરાવવાના બનાવો પણ બની રહ્યા છે. જેમાં અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના નામનું ફેક આઈડી બનાવીને રૂપિયા માગતાં આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના કિશનગઢ ખાતેથી સરમીન ઉર્ફે કલ્લુ મેવ નામના આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી સાથે અન્ય એક શખસની શંકાસ્પદ ભૂમિકા જણાતા પોલીસે તેની પણ અટકાયત કરી છે. આરોપી નવમું ધોરણ પાસ છે. છતાં સાયબર ક્રાઈમમાં તેની માસ્ટરી છે. આરોપીને મોબાઈલ ફોનમાંથી ગુજરાતના IPS અધિકારીઓ અને રાજનેતાઓના સહિત 47 લોકોના ફેક આઇડી મળી આવ્યા છે.
સોશિયલ મીડિયાના જમાનામાં સાયબર ક્રાઈમના માફિયાઓ અનેક જાણીતા લોકોના ફેક આઇડી બનાવીને તેમના મિત્રો, સગા-સંબધીઓ પાસેથી રૂપિયા માંગતા હોય છે. જેમાં અધિકારીઓ અને રાજનેતાઓ પણ ભોગ બની ચૂક્યા છે. ત્યારે ગુજરાતના IPS અધિકારીઓ અને રાજનેતાઓના સહિત 47 લોકોના ફેક આઇડી બનાવી પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયા હતા.આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે બાબત પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના કિશનગઢ ખાતેથી સરમીન ઉર્ફે કલ્લુ મેવ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી સાથે અન્ય એક આરોપી પણ ઝડપાયો છે, જેની શંકાસ્પદ ભૂમિકા જણાતા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલો આરોપી માત્ર 9 પાસ છે અને તેના પાસેથી મળેલા ફોનમાં પોલીસને IPS સફિન હસન, હરેશ દુધાત, બ્રજેશ કુમાર ઝા, લવિના સિંહા, તરુણ બારોટ તથા અન્ય પીઆઈ અને PSIના ફેક આઇડી તથા ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત કેટલાક રાજનેતા એમ કુલ 47 ફેક આઇડી મળી આવ્યા હતા. આરોપી ફેક આઇડી બનાવી તેમાં ગૂગલ પરથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો કોપી કરી ફેક આઇડીમાં મુક્તો હતો, ત્યારબાદ તેમના જ ફ્રેન્ડને રિક્વેસ્ટ મોકલી તેમના નામે ઇમરજન્સી કે અન્ય બહાને મેસેજ કરી પૈસાની માગ કરતો હતો. ધારાસભ્ય અમિત ઠાકરના નામે અલગ અલગ રીતે પૈસા પડાવવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં નટરાજ કંપનીમાં ઘરે બેઠા કામ કરે તેવા માણસની જરૂર છે તેવું લખેલી પોસ્ટ મૂકી લોકોને લોભામણી લાલચ આપી પૈસા પડાવતો હતો.