મહેસાણા, જુનાગઢ સહિત 4 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ચાર બેઠકોના ઉમેદવારોના નામ હજુ જાહેર કરાયા નથી. જેમાં મહેસાણા, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠકોના નામ નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની કોર કમિટીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે.
ગુજરાતમાં ભાજપએ લોકસભાની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જાહેર કર્યા છે. માત્ર 4 બેઠકોની જાહેરાત હજુ બાકી છે, ત્યારે હવે આ બેઠકો પર કોને મેદાનમાં ઉતારવા તેની મહત્વની ચર્ચાઓ અને સમીકરણોના અંતે નિર્ણય લેવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકોમાં કોના પર પસંદગીનો કળશ ઢોળાશે તે મહત્વનું છે, કારણ કે ભાજપ ગુજરાતમાં બે ટર્મથી 26 બેઠકો પર જીત મેળવી રહ્યું છે અને આ વખતે પણ ઊંચા માર્જીન સાથે 26 બેઠકો પર જીત મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપની કોર ગ્રુપની બેઠકમાં જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણાની બેઠકો પર ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ કોર ગ્રુપની બેઠકમાં મંથન બાદ મહેસાણા, જુનાગઢ અને અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠકો પર કોને ઉતારવામાં આવશે તે નક્કી કરાશે. આ બેઠક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અધ્યક્ષતામાં યોજાશે. ગુજરાત સિવાય આ બેઠકમાં યુપી, બિહાર સિવાય અન્ય રાજ્યોની જે બેઠકોની જાહેરાત કરવાની બાકી છે તેના પર પણ મંથન થશે. કોર ગ્રુપની બેઠક બે દિવસ ચાલશે.