સુરતમાં મેડિકલ પ્રેક્ટીસ કરતા 3 મુન્નાભાઈ MBBS ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજધાની ગણાતા સુરતમાંથી ડિગ્રી વિને મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ તબીબો અગાઉ વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. જ્યાંથી મેડિકલને લઈને માહિતી મેળવી લીધા બાદ નાણા કમાવી લેવાની લ્હાયમાં જાતે દવાખાનું ખોલીને મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાંથી 3 બોગસ તબીબ ઝડપાતા મેડિકલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં તંત્ર દ્વારા બોગસ તબીબોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એસઓજીએ કેટલાક સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન 3 તબીબ બોગસ હોવાનું ખૂલ્યું હતું. આ ત્રણેય કોઈ પણ પ્રકારની મેડિકલની ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટસ કરતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દવાનો જથ્થો અને ઈન્જેક્શન સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. આ શખ્સો અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા જે સમય જતા જાતે તબીબ બની બેઠાં હતા. તેમજ ત્રણેય બોગસ તબીબોએ ક્લિનિક શરૂ કરી દીધા હતા. ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તેમના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે.