ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર હવે રોક લગાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું-રોકથી ચૂંટણી પર પડશે અસર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે અને તેમની નિયુક્તિને પડકારનારી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તબક્કામાં આવીને નિયુક્તિ પર રોક લગાવવાથી માત્ર ચૂંટણીઓ પર જ અસર નહીં થાય, પરંતુ આનાથી અરાજકતા પણ પેદા થશે. જો કે સુપ્રીમ કોર્ટે નિયુક્તિની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે આખરે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી?
સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા કહ્યું છે કે નિયુક્તિ પ્રક્રિયા અપનાવવામાં થોડો વધુ સમય આપવો જોઈતો હતો. જેથી વધુ સારી રીતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાત. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે.
જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની ખંડપીઠે અરજીને નામંજૂર કરતા અરજદારોને એ આરોપ પર નવી અરજી આપવા કહ્યું છે કે જેમાં અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે બે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટે બેઠક પહેલા જ આયોજીત કરી લેવામાં આવી હતી.