લોકસભા ચૂંટણીઃ ભાજપાએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલાયા
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બનાવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કાના મતદાનના એક મહિના પહેલા જ પાર્ટીએ આ મહત્વનો નીર્ણય લીધો છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા પરિપત્ર જાહેર કર્યો છે.
હરિયાણામાં ભાજપાએ આ વર્ષે બિપ્લવ કુમાર દેબને લોકસભા ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્તિ કરી હતી. દેબ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી દેબ વર્ષ 2019માં ત્રિપુરામાં પાર્ટીની જીતના હિરો માનવામાં આવે છે. પાર્ટીએ તેમની જગ્યાએ સતીશ પુનીયાને પ્રભારી બનાવ્યાં છે. તેમની સાથે સુરેન્દ્રસિંહ નાગરને સહપ્રભારી બનાવવામાં આવ્યાં છે.
રાજસ્થાનમાં ભાજપના હાલના પ્રભારી પ્રહલાદ જોશીને હટાવીને તેમની જગ્યાએ સિનિયર નેતા વિનય સહસ્ત્રબુદ્ધેની નિમણુંક કરવામાં આવી છે. તેમજ વિજ્યા રહાટકર અને પ્રવેશ વર્માને રાજસ્થાનના સહ-ચૂંટણીપ્રભારી બનાવ્યાં છે.
આંધ્રપ્રદેશમાં પાર્ટીએ અરુણ સિંહને નવા ચૂંટણી પ્રભારી બનાવ્યાં છે. આ ઉપરાંત અરુણ સિંહને સિદ્ધાર્થ નાથ સિંહ મદદ કરશે. આંધ્રપ્રદેશમાં ભાજપા પોતાનો દબદબો કાયમ કરવામાટે આ વખતે ટીડીપી અને જન સેવા પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજાશે.